Sunday, 1 February 2015

ગુણથી એ ગુલકંદી


કેવો  વિવેક ગણવો ને ક્યાંની અક્લમંદી !
તું વાતે – વાતે  વહેતી મૂકે છે ગાળ ગંદી

ઈચ્છાળ છંદે ચાલ્યાં તે થઈ રહ્યાં સ્વછંદી
અણકથ રહે છે એને નડતી ના કોઈ મંદી !

વનવાટથી  વિખૂટી  કિંશુકની પુષ્ટ ડાળી
ભટકે  બજાર  વચ્ચે  માથું  પછાડી,  ક્રંદી

રે ! સાંકડી  સમજની  નિજ શેરીના વળાંકે
ગરકાવ  ગૂંચવણમાં  આવી ઊભો છે નંદી

અત્તરના ફાયે ઉન્મત્ત થઈ ફાંકડી ગઝલિયત
મ્હેકંતી    દાદરામાં     ફોરંતાં     દીપચંદી

થોડી જો આડી – અવળી કવિતામાં છૂટ લઈ લે
તે   આપોઆપ  પોતે  પોતાના  થાય દ્વંદ્વી

ઉમદા ગઝલનાં લક્ષણ ગાલિબજી દાખવે છે
સ્વાદે  હો  ખટમધૂરી, ગુણથી એ ગુલકંદી.

મહેરબાન



ઉપર ઉપરથી તો ઠીક રે હો મહેરબાન
            અંદરની બહુ લાગે બીક મારા મહેરબાન !
ભીંતે આળેખ્યાં વાર્તિક રે હો મહેરબાન
            ઝાઝેરી કેમ ઝીલે ઝીંક મારા મહેરબાન !

જાડું બખતર ચામડી શું ઓળખીએ સ્પર્શ ?
તળ ઊંડા જળ ચાંગળુક  ટૂંકા સૌ આદર્શ
વાળી  ના વરતી  વળે  ઝાલ્યે  ના  ઝલાઇ
લખ મોઢે વખણાય પણ છેવટ કિંમત પાઇ

ઉઘડતા રંગો ચપટીક રે હો મહેરબાન
          જીવતર તો એવું ગ્રાફિક મારા મહેરબાન !
ભાન - ભ્રમ સઘળું માર્મિક રે હો મહેરબાન
             છેટે-નું આવ્યે નજદીક મારા મહેરબાન !

લેલૂંબ અવઢવ મ્હોરતી બાઝ્યા બહુ વિકલ્પ
મતિ અભાગણ આંધળી ઓળખ જેની અલ્પ
દમિયલ મનથી દૂબળી નહિ કોઇ વાતે ધાર
મનસાનાવ ઉતાવળી વિકટ વ્હેણ વ્યવહાર

ઠાઠ-માઠ સઘળું બાહિક રે હો મહેરબાન
         વિગત વાગોળો તો વિક મારા મહેરબાન !
ધખનાના માર્યા ધાર્મિક રે હો મહેરબાન
          અડવે પગ ઝૂઝે યાત્રિક મારા મહેરબાન !