(૧) કબીર
ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો...
ઘટ ઘટ રામ તિહારો...
તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ
બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર
તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો...
તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ
ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન
પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો...
(૨) મીરાં
તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
એક કામળી, એક બાંસુરી
હૃદયે એક જ નામ
તન મેવાડે, મન જઈ મ્હાલે
મોરપિંચ્છને ધામ
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
મરુભોમની મુઠ્ઠી ધૂલિ
ભઈ અસુંવનની ભાખા
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
જેની ઊંચી શાખા
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બહુ છતરાયો
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો
(૩) સૂરદાસ
શું ખોલું ? શું મુંદુ નેણાં ?
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !
કનક-જવાહીર લગીર ન ચાહું
મનસા મુક્તિ વિષય નિરીચ્છ
બહુ બડભાગી મળે મુકુટમાં,
સ્થાન જરા થઈ રહેવા પિચ્છ
હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં !
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !
હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
વલ્લભ પરસ ભયો હિતકારી
‘સૂર’: કહાં પાઉં, કયા ગાઉં ?
જનમ જનમ જાઉં બલિહારી
રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં !
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !
(૪) નરસિંહ
હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે..... હરિજન વ્હાલા......
ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા
મહારાસ માંડ્યો વ્રેમાંડે, પ્રગટી હસ્ત-મશાલા
તાલ, ઠેક, તાલી, આવર્તન,
ગાવત મેઘ વાજત જપતાલા
હરિ વ્હાલા રે..... હરિજન વ્હાલા......
આર્દ્ર ભાવ, રસભીનું ભીતર, મુખ શ્રીનામ, સબૂરી
પદ, અર્ચન, તૂરિયા, ખટદર્શન મધ્ધે નહી કોઈ દૂરી
તું વહેતી કિરતન ઘનધારા
તું જ પ્રેમપદારથ હાલા
હરિ વ્હાલા રે..... હરિજન વ્હાલા......
હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે..... હરિજન વ્હાલા......