Monday, 31 October 2011

સાધુવેશ



એક તાંતણે પૂણ્ય પરોવ્યાં,
                 બીજે અગણિત ગુના,
ભડભડ સળગ્યાં એક તિખારે,
       બન્ને ઢગlલાં રૂ-ના

જે નિહાળે એજ ખેલતા ચોર સિપાહી રમત
જેને  જેનો  નિષેધ બાંધે, તેને તેની મમત
એમ  પરસ્પર  ઓતપ્રોત  થઈ
         ઘા સંકોરે  જુના

લયના સૌ  લાગા ચુકવતાં વાણીનાં વાણોતર
જાચકની ઝોળીને કઈ ના, આગોતર પાછોતર
રાચંતા  નાચંતા  રગરગ
     ભરતા ભાવ અધૂના

થૈ-માંથી  થડકાર  ગ્રહી લે,  રે આલાપી  રજસ
ભ્રમણવ્રત લઇ ભમતાં રમતાં ભોગવતાં સૌ રસ
રંગ-ગોચરી  રળવાં  ચાલ્યાં 
     વેશ  ધરી  સાધુના   

Monday, 24 October 2011

રંગીન માછલી છે


ઝાંખા  ઉજાસ વચ્ચે  તેં  જે  કથા કહી છે ,
સાંભળજે કાન દઈને એની જ આ કડી છે

પંખીયુગલને  વડલાની  ડાળ સાંપડી  છે
ને ક્રોંચવધની ઘટના જીવમાં ઝમી રહી છે

પળને બનાવે પથ્થર,  પથ્થરને પારદર્શક
તાકી રહી છે કોને ? આ કોની આંગળી છે ?

નખ  હોય તો કપાવું, દખ હોય તો નિવારું
ભીંતરને  ભેદતી આ  મારી જ પાંસળી છે 

કાજળ બની ને આવો કે જળ બની પધારો ,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે
?

ઇચ્છાના  કાચઘરમાં  એ  કેદ  થાય  અંતે,
માણસનું  નામ  બીજું  રંગીન  માછલી  છે

Friday, 21 October 2011

આપણે


એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
                આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે
                       એક ઊંચી દીવાલ અને આપણે

ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ
ટીપું  હયાતીને  સાચવવી કેમ, અહી  ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
                પંપાળો તો  જઈ ‘ને વસીએ રે પાંપણે
                        એક ઊંચી દીવાલ અને આપણે

થડને વળગેલ  કોઈ વેલીની જેમ, અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવાં ઉથાપો કે જન્માંતર ઊખડે
                થાપો તો કોઈ છેક તળિયાની થાપણે
                        એક ઊંચી દીવાલ અને આપણે

Thursday, 20 October 2011

વણજ આપે


ગોઠડી  સંતલસ  વણજ આપે
જ્ઞાનીને નિત નવી ગરજ આપે

હા-હજૂરી   કરે  અરજ  આપે
તું  ફકીરોને  કાં  ફરજ આપે ?

ગણગણી લે, એ જે સહજ આપે
રોજ ક્યાંથી  જુદી  તરજ આપે

હાથ  લંબાઈ ‘ને  થતા  લાંબા
તે પછી  કણ  સમું  કરજ આપે

પગ છે  તો  પગરખાં  જરૂરી છે
કોણ  આવી સરળ  સમજ આપે

એ અજર પહાડ  થઈ રહે ઊભા
જેને   સંજીવની   ઉરજ  આપે

રાતભર   રમ્ય   રાગ  રેલાવે
ફાટતા પ્હો,  પ્રગટ પરજ આપે

Thursday, 13 October 2011

દીવા શગે ચડ્યા



ત્રુટક-છુટક સંબંધોને સળંગ દોરે બાંધ્યા રે ...
                       સગપણના દીવા શગે ચડ્યા
ખર્યાં પાંદડાં વીણી વીણી પાછાં ડાળે સાંધ્યા રે ...
                      સગપણના દીવા શગે ચડ્યા

      એકલ  દોકલ   છોડ  હો,  ઉછેરું પય પાય
      ધોળીધફ હું વાદળી, વન સિંચ્યાં નવ જાય 
અંગ ઢળ્યાં ‘ને ચામ હાડને વળગ્યાં એવું ઝૂર્યા રે ...
                         સગપણના દીવા શગે ચડ્યા
ઘર-આંગણ ‘ને ચોક વળોટી સહુ દિશ શુકન પૂર્યા રે ...
                         સગપણના દીવા શગે ચડ્યા

           ચીવટથી  સૂલઝાવીએ,  હીરગૂંચ  જો  હોય
           વળ હરવા વનવેલના,  કળ જડતી ના કોય
વહી આજ-માંથી  ઉખેડ્યા  કણીદાર  કૈં  કિસ્સા  રે ....
                          સગપણના દીવા શગે ચડ્યા
કાલ સુધી પંપાળી કરશું નખશિખ નમણા, લીસ્સા રે ....
                          સગપણના દીવા શગે ચડ્યા

Tuesday, 11 October 2011

બતાવી દે !

સૂન અથવા શિખર બતાવી દે 
તું  મને મારું   ઘર બતાવી દે 

ઓળખું, જો અખર બતાવી દે 
દે તલપવું,  ટશર બતાવી દે 

સૌની અંગત ખબર બતાવી દે 
લાગણી શું? શું ડર? બતાવી દે 

આજ મારા ય હાથ ના પહોચ્યા 
ક્યાં રહી ગઈ કસર બતાવી દે 

તેં  મને  પૂછેલા  સૌ  પ્રશ્નોના 
તું જ સઘળા ઉતર બતાવી દે 

ગૂંચ અર્પણ તને આ તન-મનની
હલ બતા દે; હુનર બતાવી દે 

અંશ છે તું ય એની અચરજનો 
કોણ એ જાદુગર ? બતાવી દે

Wednesday, 5 October 2011

મજા,


છેક શિખરની મજા,
હોય માણવી  એણે  જાતે થઈ જાવાનું ધજા….

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ  દેખાડો  જેમાં  ક્યાય ના  વાગે  ઠેસ
અથવા આપોઅંદર અંદર રણઝણવાની રજા...

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં....

ચડવું 'ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ  હાથથી  ઉલેચો પણ  રહે  શેષનું  શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં....

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

Saturday, 1 October 2011

ગુણીજન .

સહજ સાંભરે  એક  બાળા ગુણીજન ,
ગઝલ-ગીતની પાઠશાળા ગુણીજન.

પ્રણયની પઢી પાંચ માળા ગુણીજન,
ખુલ્યાં  બંધ દ્વારોનાં તાળા ગુણીજન .

નહીં  છત મળે તો  ગમે  ત્યાં રહીંશુ,
ભરો કિન્તુ અહીંથી ઉચાળા ગુણીજન .

કદી  પદ-પ્રભાતી  કદી  હાંક, ડણકાં
ગજવતા  રહે  ગીરગાળા  ગુણીજન

પડ્યો  બોલ ઝીલે,  ઢળે ઢાળ માફક
નીરખમાં ય નમણા, નિરાળા ગુણીજન

ધવલ  રાત્રી  જાણે  ધુમાડો  ધુમાડો
અને અંગ દિવસોનાં કાળા ગુણીજન

આ મત્લાથી મક્તા સુધી પહોચતા તો
રચાઈ  જતી   રાગમાળા  ગુણીજન

આંગણમાં રમવા ઊતરો રે

તારી આરતીના લઈએ ઓવારણાં રે મા....
આંગણમાં રમવા ઊતરો રે
અમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા.....
આંગણમાં રમવા ઊતરો રે

તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે મા
આંગણમાં રમવા ઊતરો રે
એવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા....
આંગણમાં રમવા ઊતરો રે

દીપમાળાના દીપ મારી આંખડી રે મા .....
આંગણમાં રમવા ઊતરો રે
મારી ચામડી ચીરીને કરું ચાખડી રે મા......
આંગણમાં રમવા ઊતરો રે

તારી તાળીનાં તેજ ચૌદલોકમાં રે મા ....
આંગણમાં રમવા ઊતરો રે
ગરવા ગરબાની ગુંજ ઊઠે ચોકમાં રે મા ....
આંગણમાં રમવા ઊતરો રે

તારા ઊંચેથી ઊંચા પધરામણા રે મા....
આંગણમાં રમવા ઊતરો રે
કેમ ચડીએ અમે તો સાવ વામણા રે મા....
આંગણમાં રમવા ઊતરો રે

છેક પડવેથી આઠમની આરદા રે મા.....
આંગણમાં રમવા ઊતરો રે
મા, તું કાલી, ચામુંડા ‘ને શારદા રે મા ....
આંગણમાં રમવા ઊતરો રે