Thursday, 19 January 2012

શ્વાસ જેવી ક્ષણ



બરફમાં  મૂરઝાર્ઈને સતત એક જણ ધુમાડો થાય
‘ને એ રીતે  ધુમાડાના  બધા કારણ  ધુમાડો થાય

સમયશાઈ   હરણની   ડોકમાં   લટકી  જવા કરતા
કહે તો ફૂંક  મારું ‘ને  બધી  સમજણ ધુમાડો  થાય

હજારો   જંગલો  હાવળ     કરી    ઉઠ્યાં  હથેળીમાં
કહો હે હસ્તવિદ! કઈ રીતથી ભારણ ધુમાડો થાય ?

પછી  સુરખાબનાં  પગલાં  હવામાં ઓગળી ચાલ્યા
રતુંબલ ઝાંય થઈને  શહેરનું સગપણ ધુમાડો થાય
ફરકતી  આંખ   હો    સંદર્ભ  એના    આવવાન-તો
કાં આ પ્રત્યેક મારા શ્વાસ જેવી ક્ષણ ધુમાડો થાય ?

સખીરી,


ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી!
સખીરી, કોઇક પવનના સુસવાટામા ફંગોળાતી સુક્કા ધાસની સળી !

              મન સાબુનું ફીણ અમસ્તુ !
                  મુઠ્ઠી ભરતાં પાણી થઇ રહી જાતું,
         અમે જનમથી અંધમતી કે,
                  પરપોટાને માની બેઠા ધાતુ.
સખીરી, પજવે અપરંપાર મને, ફળીયામા ફળતી દાડમડી !
ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી!

          ડહોળાતા દિવસોને વળગી પડું,
                   ઘડીમા ટશિયે ટશિયે તૂટૂં
          કહો કહો જી !કેમ કરીને
                   લોહીવગી આ લેણદેણ થી છૂટું ?
સખીરી, આંસુથી ઉજાળ્યા માઝમ ઓરડા,ઓસરીયું ઉજાળતા ના આવડી !
ઉતાવળી ઉંબર પર આવી ઊભી રહી!

બારણામાં રૂપાન્તર


અમસ્તું   એવાં ઘણામાં  રૂપાન્તર થતું
અકળનું  ઘણી  ધારણામાં  રૂપાન્તર થતું

અચાનક  બધાં  દૃશ્ય  ઉડીને  આવે  કને-
અને   આંખનું   બારણામાં  રૂપાન્તર  થતું

અનાયાસ થંભી જતા એ જગા પર ચરણ
અકારણ  પરિચિતપણામાં  રૂપાન્તર  થતું

અવિરત  જતો  જાય  છે  હાથ  ઊંડે  હજુ.....
અતળનું  ખટકતા  કણામાં  રૂપાન્તર  થતું

અસ્થિગંધ ભળતી  ધુમાડામાં અસ્તિત્વના
અનલનું  પછી  તાપણામાં  રૂપાન્તર  થતું 

Tuesday, 10 January 2012

રાત રસાળે

બલમજી ! અધમધ રાત રસાળે
ધૂંઆધાર ઘેરાતી ડમ્મર પાંપણ ઉપર સળવળતું એક ગામ,
ગામની છાતી ઉપર કેસરિયાને દરિયો દરિયો રમતો ભાળી જીવ પલળતો ધોમ ઉનાળે 
બલમજી ! અધમધ રાત રસાળે

ટીપે ટીપે ટપકાતો સંદેહ ઉછેરી
જંપી રહેલા જળમાં મારી મેખ
નખ્ખ આંગળી શોધે એવાં તરડાતા
દૃશ્યોની વચ્ચે લંબાતી એક રેખ
અંદરથી ઉતરડી જાતી એકલતાની છાપ ધરીને પચરંગી બીડું થઈ ફરતા  
વગડાનો ઉઘડતો અપરંપાર  ઝીલતી છાતી રૂ-ના અઢળક લોઢ ઉછાળે
બલમજી ! અધમધ રાત રસાળે


કુલેરના કળશી ભૂક્કામાં ભળી જવાનું સુખ
સાયબા !  રહેતું  જોજન   દૂર
હલે ડાળખી ફળીયે એના પડછાયામાં
તરતા  વેરણ સાન-ભાન ચકચૂર
લવકારે - લવકારે ધબકે  સ્પર્શ  બહાવરા, શત શત ખટકે  શૂળ,  શૂળ  તો
પરભવના સથવારા જેવી અંગત મારી અકબંધતાને રાઈ રાઈ-માં વહેચી  દે સરવાળે    
બલમજી ! અધમધ રાત રસાળે

Sunday, 8 January 2012

ડાઘ લાગે ડેલીએ


મનની   મસૃણ  મેડીએ
ચાલો ;  હવે    ટહેલીએ

આ  મધપૂડા  અવાજના
ઝંઝેડીએ   –   ઉઝેડીએ

સમજણનું થાય અપહરણ
‘ને   ડાઘ  લાગે  ડેલીએ

સંવેદનામાં   સ્થિર   આ-
અંધાર   કેમ    વેડીએ ?

ઓ-પારના      પડાવને
આંખોથી  શેં   ઉકેલીએ ?

વિસ્મરણની   પ્રણાલીમાં
ઓળખના સળ ઉખેળીએ ?

Wednesday, 4 January 2012

ફરી વિચારીએ !!

ઊભાં   રહી  અટારીએ
દ્વિધામાં નખ પલાળીએ

અક્બંધતા   ઉલેચવા
છાતીમાં છિદ્ર પાડીએ
    
યુગોથી ઊંઘતી પ્રથા
દસ્તક દઈ જગાડીએ

ઇચ્છાળવી ક્ષણો વિશે
ચાલો ફરી  વિચારીએ

ધીમે   ધીમે   પ્રવેશતું
બોઝલપણું સ્વીકારીએ

ખાલી ખખડતા હાથ લઇ
ચોફેર   શું   ઉછાળીએ ?