Friday, 23 December 2011

છોડી ઝંઝટ

સૌ  વ્યવહારો ચોખ્ખાચટ
તો ય  હાથ કાં મેલામટ ?
કાળ કઠણ ‘ને પળ પોચટ
વાહ  વખા ! તારી ચોખટ

નામ   નથી   હોતું   લંપટ
અંદરની   સઘળી  ખટપટ
વચગાળાની   લઇ ચોવટ
ડહોળી   વરસોની  ઘરવટ

ઘેન   વધારે   થાતું    ઘટ
નીરખીને  નાગણ શી લટ
તું   કે’ તો  અજમાવું  પણ
વટ  માથે શું પડશે વટ ?

ઓળખ  અળપી  બેઠો   છે
મનમાં  ઊછળતો   મરકટ
 સૌ  નિરાંતજીવી  પણ
નાચી  નાચી   થાક્યા  નટ

જોઈ   તને   હું  દોટ   મૂકું
તું ય ઉપાડે  પગ ઝટઝટ
તક     શોધીને  તાક્યું   છે
નક્કી     નીકળશે   સોંપટ

સરસ્વતીનું વ્હેણ નથી તું
હું પણ  ક્યાં છું ગંગાતટ ?
કવિતા   જેવી  છાંય મળી
કેમ   કહું    ફેરો   ફોગટ ?

ભભૂત,કંથા,જપ-તપ,ધ્યાન...
કહી   ગઝલ,  છોડી  ઝંઝટ 

Monday, 19 December 2011

રેલમછેલ

રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ,
કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ?



વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,
કોઇ  કહે  છે  અચરજ  મોટું, કોઇ કહે છે, સસ્તું.
ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ,
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ.


વિચાર પાટે ચડ્યા પછી ક્યાં નક્કી ક્યાં જઇ ચડીએં ?
પાતાળે પહોચીને ત્યાંથી સીધા આભે અડીએં.
નભ ધરતીને સાંકળતી આ કઇ અમરતની વેલ ?
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ

------------------------
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

The thing from what comes out another petty thing,
Someone says astonishment big, someone says it cheap.
Recognitionless the horned owl too seems a pea-hen,
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.

Tracked on thinking who knows where one ever reaches,
Reaching bottom, straightway the sky one even touches.
Chaining Sky and Earth, which creeper is this eternal ?
Juicy Flow Zig Zag,
Everywhere Juicy Flow Zig Zag,
What is to say mimicking and what the initiated.


Translated by: Manoj Shukla.
 

Saturday, 17 December 2011

आगे बढ़ .

 તે  કેવી  લાગી  રઢ ?
અણુ–અણુએ બાંધ્યા મઢ

સાબૂત  સૌ  સંવેદન-ગઢ
તો ય પ્રતીતિ ના થઈ દ્રઢ !

વિના  કોઈ  કારણ   સુદ્રઢ
વકરી  જળ-વાયુમાં   વઢ

કાંઠેથી     લંબાવી     હાથ
સાંધ્યો  તે મધદરિયે સઢ

તું   મારે,      તું    ઉગારે –
તારી આ  લટકાળી  લઢ

જીવતર  ઉર્ફે   રણસંગ્રામ
તું પણ  એમાં આવી ચઢ

છેલ્લું   ડગલું  તારે  હાથ
સાવધ   થઈને    आगे बढ़ .

એક ઝાલું ત્યાં

એક ઝાલું ત્યાં તેર વછૂટે
અણધાર્યું કોઈ ગીત વીંધીને લોહી વીંધીને જાય ઘસાતું પગઅંગુઠે

રાસબરીના નીતર્યા છાંયે બેસતા
 લાધે જાંબલી અભિજ્ઞાન
જ્ઞાન કબૂતર, જ્ઞાન કવિતા
જ્ઞાન ચોર્યાસી માળનું હો મકાન
જ્ઞાન પડીકુ ખૂલશે પછી....જાંબલી  ટશર ફૂટશે રે કાંઈ કાનની બૂટે 
એક ઝાલું ત્યાં તેર વછૂટે

ઘૂંટડો ભરી શું ય પીધું કે
રાગ-રાગિણી થઈને લીલી નદીઓ  વહે
રાગ લપેટુ,  રાગ વછોડું
ઝાટકી ઝીણો વળ ચડાવું સદીઓ  વહે
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ‘ને દેખવું ફૂટે
એક ઝાલું ત્યાં તેર વછૂટે

લગભગ લગભગ ?

કોની  લગનીથી    રગ રગ
ધખધખતી અણજાણી અગ

ભીંત    સોંસરું   ભાળે    દ્રગ
અતલાંતને     અડતા  પગ

‘ખ‘  વીંધે    તે  સાચાં  ખગ
સંમત  હો  કે  ના  હો  જગ

નહિ   ચિઠ્ઠી,  નહિ    સંદેશો
ના  મોભારે    બોલે     કગ

નિજ-ઘરનાં   ભીડ્યાં   દ્વારે
જઈએ લઈને કોની વગ ?

તારી    સૃષ્ટી    વચ્ચે,   તું –
પોતે કાં લગભગ લગભગ ?

જમિયલશા  પડકારો   દ્યો,
ગિરનારે   ચીંધ્યો    મારગ.

ચત–બઠ


એમાં  શું  કરવી ચત–બઠ
તું પણ શઠ ‘ને હું પણ શઠ

ગાંઠ વળી  ગઈ છે નિંગઠ
થાય  નહિ પાંચમની  છઠ

છૂટક – છૂટક   કે  લાગઠ
ફેરા    ફરવાના   અડસઠ

ફતવા,     ડંકા,     તાબોટા
સૌને  સૌના    નિજી    મઠ

તારા     સિંહાસન     સામે
અમે ય લે  ઢાળ્યો બાજઠ

તારે શું તડકો ? શું  ટાઢ ?
ઓ..રે ! પૂતળી સુક્કીભઠ

અહીંથી હવે  ઉડો ગઝલ !
બહુ   જામી   છે  હકડેઠઠ

અક્ષરને ય ભાગ્યા,તોડ્યા
બાળક  જેવી   લઈને  હઠ

અવળે  હાથે પીધો અર્ઘ્ય
અકોણાઈ   ઊગી   લાગઠ

‘અહાલેક’-ની સામે બીજો
નાદ  કોઈ  માંડે  ના બઠ

તારે  કારણ   હે નરસિંહ !
વૈષ્ણવજન  આખું  સોરઠ .