Saturday, 26 October 2013

તું નહીં તો શું ?



તું નહીં તો શું ?
એવા સવાલ સાંજ પડતા સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.

માથા પર સણસણતા તોર ભર્યા રઘવાટે
                                              નીકળું હું છાંયડાની શોધમાં;
પાનીમાં ખૂપેલી રસ્તાની કાંકરીઓ કહેતી
                                                      કે જીવતર અવરોધમાં.
સુકું કોઈ ઝાડ ખર્યા પાંદડામાં ખખડીને
                                                પાછા વળવાનું મને કહેતું,
                                                                   તું નહીં તો શું ?

છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
                                                ભીંસે આ પહાડોનો ડૂમો;
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાંજ
                                              સામટી સુકાઈ જતી બૂમો.
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ
                                                 ભૂલ્યો ભુલાય નહી તું..
                                                              તું નહીં તો શું. ?

હક કરી કરીને



રમણીય સ્વરની સાથે ટક ટક કરી  કરીને
તું જાગતા જ રાખે   રકઝક   કરી  કરીને 

હમણાં સમાપ્ત થાશે  સત્ર ક્રાઉ ક્રાઉનું પણ
આ ચકલીઓ પજવશે ચક ચક કરી કરીને 

શું અન્ય  કોઈ  રીતે  એ સંભવી  શકે  ના ?
સાબિત થવાનું જીવિત ધક ધક કરી કરીને ?

ફાટેલ  આ  મિજાજી  કંઈપણ નહીં સ્વીકારે
વીણી વીણીને   લેશે  એ  હક  કરી  કરીને 

હું બૂમ  પાડી ઊઠું  એ પહેલાં પ્લીઝ, સાંભળ
થાક્યો છું ‘નામ-સમરણ’ અણથક કરી કરીને 

સમૃધ્ધ  સૌ   ઠઠારા   તારા  તને  મુબારક !
ભીતર  અમે ય  રાખ્યાં ભરચક  કરી કરીને 

મારી  પ્રતીતિઓનાં  સઘળાં  પ્રમાણ  કવિતા
અન્યત્ર  ક્યાં તું  શોધે  છે  શક કરી  કરીને ?

ક્યાં  જ્ઞાનગોષ્ઠિ વચ્ચે  આવી ચડ્યા હે સંજુ !
ગઝલો ય કહેવી  પડશે  મુકતક કરી કરીને 




  

 

ત્રિકુટીમાં તાળી



મુને લાગી  ગઈ  રે ત્રિકુટીમાં તાળી
એણે રામસાગરની લગની લગાડી

મળી  એક ક્ષણમાં જ દૃષ્ટિ નિરાળી
અને  સાવ  જુદી  જ  સૃષ્ટિ નિહાળી

ગરક થઈ જવાની ઘડી જયારે આવી
તરત  ટોળામાંથી  લીધા  તે ઉગારી


જતા  દૂર  ભાળી,  સહજ  રાડ  પાડી
તો સાબિત થઈ એ મરણચીસ કાળી

મહામૂલી  ધખના  'ને  વસ્તુ   અદૈહી
રહી   શોધ  બાકી,  રહ્યા  યત્ન  જારી

અહો ! ઊતરી ક્યાંથી વિવિધ રંગ-રમણા
કદી જોઈ  ના આવી ઝળહળ રુંવાટી

ભર્યો એક્ મૃત્યુએ સબડકો ચસોચસ
અને  રસ-છલકતું  થયું  પાત્ર ખાલી


(પ્રથમ પંક્તિ-સંદર્ભ સંત કવિ લખીરામ)

Wednesday, 18 September 2013

મૂર્તિ કોતરાવી

કારણ વગરના સુખની નિત નિત નરી ખુશાલી
મેં  આ  તરફથી  ઝીલી  ‘ને  આ  તરફ  ઉછાળી

અંદરના    ઊભરાની    અંગત   કરી    ઉજાણી
લંબાવી   હાથ   જાતે ,  જાતે  જ   દીધી   તાળી

બે   પંક્તિઓની  વચ્ચેના   સ્થાયી  ભાવ  જેવું
ધબકે  છે  ઝીણું   ઝીણું    કોઈ   કસક   અજાણી

હું  છેક  એની  સામે   પહોંચ્યો    હતો,   પરંતુ –
ભગવાને સ્હેજ અડક્યો ત્યાં થઈ ગયો બદામી

ના  કોઈ  કંઇ  જ  જીતે,  હારે  ન  કોઈ કંઈપણ
ભરપૂર    જીવવાનું    થઈને    નર્યા     જુગારી

જયારે  ‘ને   જેવું   ઈચ્છો  એ  હાજરાહજૂર   હો –
મનમાં  જ   એવી   સુંદર  એક્  મૂર્તિ  કોતરાવી

છું  એજ  હું;  સફરજન  પણ  એનું  એ  હજુ  છે
તું  પણ  હજુ  ય  એવું  નિરખે   છે  ધારી  ધારી

કાયા ઝાડવું

મૂળ   રે    વિનાનું    કાયા   ઝાડવું
કોણ સમજે ? કોને  આ સમજાવવું ?

ક્યાંથી નીકળવું અને ક્યા પહોચવું ?

કોને  ઘર  જઈને  કહો  શું  વહોરવું ?

સ્હેજ  હળવા હાથથી  તું કર  પ્રહાર

તંત  છું,   પ્રતિભાવ  મારો  વાગવું

ચાર  આંખોનાં  મિલનને પ્રેમ કહી
કામનાને   નામ  તે  આપ્યું    નવું

થઈ બધી પ્રતીતિઓ પણ તાર-તાર
જાણે  ઉખળતા   જ   તૂટ્યું   રાંઢવું

એકબીજામાં  ભળ્યાં ‘ને  ઓગળ્યાં
દૂરનું     સંધાન   ‘ને   આ    નેજવું

પાંખને  ધારી  તો પ્રગટ્યાં પંખીઓ
પંખીને    ધરીને   શું   પ્રગટાવવું ?

(પ્રથમ પંક્તિસંદર્ભ – સંતકવિ રવિસાહેબ )

Tuesday, 2 July 2013

ઝણ ઝાલરી ઝણ


ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી ઝણ
રવ     પહેરીને     ફરતી     હરક્ષણ

કસબી    થઈને    જાડું    કાં   વણ ?
ધરીએ   પરથમ   ધાગાની    ધ્રણ

નવતર    કેવું    જીવતર    દીધું  ?
દિવસ - રાત   સરખું   સમરાંગણ

 

આવો    કાં    તું    બહેરો,   મીંઢો !
ના   હોંકારો ,    ના    અકળામણ !

કોઈ    બતાવે    એવું   ઘર    જ્યાં
હોય     નહી     માટીના     વાસણ

તાર – સ્વરો     છોડીને      સાધો !
મંદ્ર,   મધ્યમાં    થઈએ   રણઝણ

એક જ    નામ-સ્મરણને     કારણ
પડ્યાં   જીભમાં   લીલાં    આંટણ


(પ્રથમ પંક્તિસંદર્ભ : સંત કવિ દાસી જીવણ)

હરિ-કથા અનંતા


હરિ  અનંત   હરિ-કથા  અનંતા
પહેરણ   વણતા   પ્રગટી   કંથા

ક્ષણ   માટે   ડહોળ્યા  મનવંતા
શક   વાવ્યા  ‘ને    ઊગી   શંકા

વરત  વિવિક્ષા,  ગરથ  ઉદાસી
સત   પર    ચડતું    ઈંડું   સંતા

 

સ્થિર  સમય  ‘ને  પવન  ઠરેલા
કિયા મૂલક ? ક્યા એના પંથા ?

નહિ ધાતુ, નહિ ચામ, કાષ્ટ નહિ
કઇ  દાંડી,   ક્યાં  વાજત   ડંકા ?

મોતી   અથવા   મળે   મહાપદ
મન  મહેરામણ  મન  સર પંપા

ઉઘાડીએ   અચરજ  જો  આવો
અન્ય    કશું   શું   આપે   રંકા ?


(પ્રથમ પંક્તિ - સંતકવિ તુલસીદાસ)

અનુપમ દીઠો


આજ  અનુપમ   દીઠો  એવો
પથ્થરને   વળતો   પરસેવો

ચડી   જ્ઞાનની   ઘેઘૂર   ટોચે
ટચાક    દઈને   તોડી    ટેવો

ચકવા  જેવી  લગની  લઈને
ચકવી   જેવો   લ્હાવો    લેવો

 

ભાષા !  તું   ભીતરનું  ભોજન
ભાવ  ભળે  તો   મિસરી-મેવો

સ્વર્ગ, મોક્ષ સઘળું આ કાગળ
શબ્દો   સાક્ષાત  કોટિક    દેવો


 
(પ્રથમ પંક્તિસંદર્ભ સંતકવિ રવિ સાહેબ)

Wednesday, 27 March 2013

આધેડપંચક

(૧) ડાયાબિટીક


શું કરીએ ? કોઠાની આગ અને ડળકન્તી દાઢના આ શૂળનું ?
આધેડનો આર્તનાદ સાંભળો હે નાથ !
                   હવે કાઢો નખ્ખોદ ગોળપાપડીના કૂળનું....

જીવ સાલો લાલચું તે આમ તેમ ભટકીને
થઈ બેસે ગળપણના દેશનો ગુલામ
હાથે કરીને હોય વ્હોરેલી પીડા તો
   કોને જઈ દેખાડો અંદરના ડામ ?
સપનામાં ખાધેલા ચુરમાના બદલામાં
દાંતણ કરવાનું રોજ લીમડાના મૂળનું .....
શું કરીએ ? કોઠાની આગ અને ડળકન્તી દાઢના આ શૂળનું ?

સાકરના ‘સા’-નો ‘ને ખાંડ તણા ‘ખાં’-નો પણ
    આખ્ખો વિભાગ સાવ રાખવાનો નોખ્ખો
ભાષાને ભોળવીને સુગર ફ્રી કરવાની
છેકભૂંસ કરી કરી કરવાનો શબ્દકોષ ચોખ્ખો
આધેડ સૌ એક્ સાથે નામ લઈ નહી નાખો
જલેબી ‘ને સૂતરફેણીના વર્તુળનું ....
શું કરીએ ? કોઠાની આગ અને ડળકન્તી દાઢના આ શૂળનું ?

 (૨)અનિદ્રારોગી


આધેડને નીંદરથી બાર ગાઉ છેટું ...
ખાટલીમાં પડ્યા પડ્યા તરફડવું
જેમ કોઈ ખાટકીના પગ તળે ઘેંટુ...

ભીંતોને ઊગ્યા હો કૂતરાના કાન એમ
ગુસપુસનો કરતી ધજાગરો
રાતી આંખ્યું જોઈં આખુંએ ગામ પૂછે
શેનો આ  કીધો ઉજાગરો ?
જોતું જડી જાતું લોકોને એવું કે,
તરબૂચ થઈ જાય ઓલ્યું ટેટું...
આધેડને નીંદરથી બાર ગાઉ છેટું ...

બાકસની છેલ્લી દીવાસળી ય દગો કરે
એવો ઉપક્રમ રોજ ઊંઘનો
મંતર-માંદળિયાં ય ધૂળ : હવે
                        કરવો ઉપાય કિયો બેઠેલી બૂંધનો ?
‘તારા ગણવાથી રાત પૂરી ના થાય ‘
એમ કેતુ’તુ  કોણ મારું બેટું....
આધેડને નીંદરથી બાર ગાઉ છેટું ...


(૩)સ્વપ્નભોગી


આધેડની નીંદરને સપનાંઓ ઠોલે ભૂતકાળના
રાત પડ્યે ઊખલતા સામટા બનાવ
                એણે માણેલા મનગમતા ઢાળના

ઝોલું ચડેને જીવ રણઝણવા નીકળતો
ઝાંઝરના ઠમકારા સાથે
પાછલે પહોર આંખ ખૂલે ત્યાં એ જ સાલો
ખાલીપો સૂતો સંગાથે
આખ્ખી જામોકામી ધૂમાડો થઈ જાતી
    ઊછળતા લોઢ ભૂંડી ગાળના
આધેડની નીંદરને સપનાંઓ ઠોલે ભૂતકાળના

વળી પાછાં ચડતી સવારવેળ જડી જાય
   સુખનામી પાંચ-સાત ટીપાં
સપનાંની મા-ને કોઈ પરણે ભડવીર તે
      રળવાના આવા રાજીપા ?
ભીનાતાં, સૂકાતાં ફીફાઓ ખાંડવાના
    ‘હાશ’ના ‘ને  ‘હૈયાવરાળ’ના
આધેડની નીંદરને સપનાંઓ ઠોલે ભૂતકાળના


(૪)સાયટિકાગ્રસ્ત


ઊંહ્કારે  આહ્કારે  જીવે આધેડ : કાંઈ  જીવે...
સણકા, સબાકાની દૂઝતી જાગીર  યાને
કેડ નામે ખમતીધર ખેડ : કાંઈ  જીવે 

એક્ તો હો ઢળું ઢળું જાજરતી ઉંમર
‘ને એમાં વળી વિધુરાઈ ઉંબર પર બેઠી
એટલું હો ઓછું તે બામ્બળ કોઈ બોરડી શી
બરડેથી પીડાઓ ઊતરતી હેંઠી
ખૂટતી ખોરાકીની આખરી નોટીસ લઈ
કરતાં બજારું પરેડ : કાંઈ જીવે
ઊંહ્કારે  આહ્કારે  જીવે આધેડ : કાંઈ  જીવે...

આયોડેક્સ, બામ જેવું ઘસવું પણ
પીઠ સુધી પહોંચવામાં પોતાનો હાથ પડે ટૂંકો
વકરેલા  દરદને લોટ જેમ ગુંદનાર
ક્યાંથી હવે પાકે કોઈ છોકરો બળૂકો
ઓસડ ‘ને લેપ બધાં ખાડે નાખીને
પેઈનકિલરની  પાડી ઘરેડ : કાંઈ જીવે
ઊંહ્કારે  આહ્કારે  જીવે આધેડ : કાંઈ  જીવે...


() મરણોન્મુખ


કાને  બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
ઓલવાતા અંગોને જાળવવા ઝૂઝે રે
  ઝાકળના ખેતરે રખોપિયો

ચોપનમાં વરસે છેક ગોઠવાતા ઘરઘરણે
કુંડળીમાં પાડ્યું તેં  વાંકડું
વાત-વાતે નડતાં કમુરતાં ‘ને પંચક તે
                 ગાડે ઘલાય નહી લાકડું
કહ્યામાં  રહ્યા નહી એક્કે ઈશારા ‘ને
હોઠ પર થીજી સિસોટિયો
કાને  બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો

મુઠ્ઠી તણખલાની કાયાને ચરી જાય
વગડાઉ લહેરખીનું ટોળું 
આથમતી વેળાએ ઝાંખું ઝબૂકે તું
  ફૂટેલા ભાગ્યનું કચોળું
અડધેરું વય વહ્યું પાણીને મૂલ 
 અને અડધાનું ગવડાવે જિયો..જિયો
કાને  બહેરાશ અને આંખોમાં હરે ફરે મોતિયો
(રાગાધીનમ્ગીતસંગ્રહ -૨૦૦૭ {પ્ર : રંગદ્વાર પ્રકાશન, જી-૧૫ યુનિવર્સીટી પ્લાઝા, નવરંગપુરા અમદાવાદ -૩૮૦૦૦૯ ફોન :૦૭૯ ૨૭૯૧૩૩૪૪.}પૃ.૧૦૩ થી ૧૦)