Saturday, 20 August 2011

અનભેગતિ-ગીત



પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમાથ
પંખી ઉડયા અનભે, ઝીણું ચાચમાં ઝાલી તથ

પહેલું જ્યાં આકાશ વળોટયું
ખરવા લાગ્યો ભાર
પિચ્છ ખર્યા ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડાળો રથ
પંખી ઉડયા અનભે, ઝીણું ચાચમાં ઝાલી તથ

કેટલી વખત ? ભેદવા હજુ
કેટલા દિગ્દિગંત ?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાય ઠેલાતો અંત
ભીંસતી ઠાંસોઠાંસ ખુલ્લાશો થઈ ઇતિ ને અથ  
પંખી ઉડયા અનભે, ઝીણું ચાચમાં ઝાલી તથ
અનભે {રવિભાણ સંપ્રદાયના રવિ સાહેબનો આ પ્રિય શબ્દ છે.} ૧/અ-નભ , જેનો કોઈ છેડો નથી એવું આકાશ. ૨/ અન-ભે ,ભયરહિત. યોગીઓ, સાધકો કુંડલિનીની ઊર્ધ્વગામી ગતિને 'પંખીની આકાશીગાતિ' તરીકે પણ ઓળખે છે. આ ગીતનું પંખી તો ચાંચમાં તથ=સત્યને લઈને નીકળ્યું છે. એણે પવન[સાંસ-ઉસાંસ ?]નું વાહન બનાવ્યું અને જેનો છેડો નથી એવા આભને લક્ષ્ય ! એટલે તો એ કવિતાનું પંખી છે. એ અનુ-આધુનિક પંખી છે. અસ્તુ.

Monday, 15 August 2011

આગળ ઉપર જોયું જશે

હે મન અધિરા મા હજો આગળ ઉપર જોયું જશે
એ  જે પઢાવે  તે પઢો  આગળ ઉપર જોયું જશે

તેં રાસલીલાનું નિમંત્રણ મોકલ્યું આગ્રહથી પણ-
આજે  તો  છે  ઉજાગરો આગળ ઉપર જોયું જશે

ઈચ્છા લગોલગ છેક આવીને ઊભા છો તો હવે
આંખો મીંચીને ખાબકો આગળ ઉપર જોયું જશે

આદમના વંશજ આદમી ! ખાબોચિયું શું ચીજ છે ?
ના આમ થા  બેબાકળો  આગળ ઉપર જોયું જશે

પાષાણને  પલટાવતી  વાણીનું હો વરદાન તો-
સૌ કોઈને  એ  સાંપડો   આગળ ઉપર જોયું જશે

શતરંજની બાજી છે દુનિયા, એવું સમજાયા પછી
ચાલો  નવેસરથી રમો   આગળ ઉપર જોયું જશે

ઊંડાં રહસ્યો જે   ઉકેલી  ના   શક્યા  તેણે  કહ્યું-
હમણાં ઉતાવળ ના કરો આગળ ઉપર જોયું જશે

Sunday, 14 August 2011

પજવે છે હણહણાટી
રોમાંચ ઓ તરફ છે આ બાજુ કમકમાટી
હે સુજ્ઞજન ! આ ક્ષણને આછી કહું કે ઘાટી ?

કોની સ્થિતિમાં હલચલ, છે સ્થિર કઈ સપાટી ?
આ કઈ દિશાથી આવી પજવે છે હણહણાટી ?

જાહેરમાં   નહીં  તો તું  કાનમાં  કહી  જા –
પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ?

વેચું  દરેક  વસ્તુ  હું  તોલ-મોલ   વિના
છું  હાટડી  વગરનો  સૌથી  જુદો જ હાટી.

છે સૂક્ષ્મ કિન્તુ સક્ષમ આ કાવ્ય નામે ઔષધ
ચાખો, પીઓ કે ચાટો, ખાંડી, દળી કે વાટી.

સંભવ છે   એ જગાએ   મેળો  ભરાય  કાલે
નિર્મમપણે  જ્યાં  આજે  ખેલાયું હલદીઘાટી

અક્ષરને એ ના જાણે ના અંકનીય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી.

Saturday, 13 August 2011

સખીરી ગીત

આપું ઋત, દિશા ને નક્ષત્રોનાં નામ ,
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દઅડોઅડ પથરાયેલું ધામ .

મેં કહ્યું તું આરસ અથવા
ઝીણી જળવત ઘટનાઓની છબી,
તેં પવનમાં આળેખીને
ચીંધી પળવત ઘટનાઓની છબી,
સખીરી, ભૂરા, તૂરા, આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દઅડોઅડ પથરાયેલું ધામ .

ચાર પ્રહરનું જળ ડહોળીને
નીલમણિ શી આંખ બની ગઈ કોડી
અલ્લપ-જલ્લપ અણસારાવત
તેજ- લકીરે અધમણ મૂર્છા તોડી
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કોંસમાં આવી ઊભા આમ,
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દઅડોઅડ પથરાયેલું ધામ .
ચીસ ઊભી થઈ—ગઝલ

પાંચ ખૂણા, ને બે પછીત ઊભી થઈ,
ધારણા ઘર વિશેની નવી જ ઊભી થઈ.

પાંખમાંથી પ્રગટતી અનંત પીડાઓ,
આંખમાં ઝીલી તો જુદી ચીજ ઊભી થઈ.

સ્વપ્નમાં આવીને શ્વેત અશ્વ હણહણશે,
સાંજ થઈ, ‘ને વળી એ જ બીક ઊભી થઈ.

માગ્યું એકાંત તો આંખ કાન લઈ લીધા,
ચાલવું માંગ્યું તો ઊંડી ખીણ ઊભી થઈ.

મીટ માંડું ને વસ્તી બની જતો વગડો,
શાપવત દ્ર્ષ્ટિની કાળી ચીસ ઊભી થઈ.
અવળી ચાલ (ગીત)  

અવળી ચાલ, અજાયબ કેડા
એક જ ડગલે માપી લીધા ત્રણે કાળના છેડા.

ભાતભાતનાં ભાવભોજથી તસતસતાં તરભાણાં,
અબૂધની આગળ મૂકેલાં અઘરાં કોઈ ઉખાણાં;
ચાખે એ સહુ નાચે લઈને માથે નવ નવ બેડાં,
અવળી ચાલ અજાયબ કેડા.

ધખધખતી એક ધૂન ચડાવી લખીએ લખ સન્દેસા.
પગ થઈ જાતા પવનપાવડી, હાથ બન્યા હલ્લેસાં;
મીટઅમીટે એ જગ જોવાં, વિણ વાયક વિણ તેડાં,
અવળી ચાલ, અજાયબ કેડાં.

Friday, 12 August 2011

હોવાની ચર્ચા - ગઝલ

જ્યાંથી પ્રગટી ત્યાં જ હજુ છે હોવા ના હોવાની ચર્ચા
દીપ  તળેનું  અંધારું  છે   હોવા  ના હોવાની  ચર્ચા

પહાડ એજ ને એ જ અણું છે હોવા ના હોવાની ચર્ચા
પણ  સ્વભાવે સાવ ભીરું છે હોવા ના હોવાની ચર્ચા

 મેં ચીંધ્યું ને તેં ભળ્યું એ બન્નેના કોઈ વચગાળામાં ,
સ્હેજ  ઝબૂકતું ચાંદરણું છે   હોવા ના હોવાની ચર્ચા 

શરણે   આવેલા  હોલાને  બેસાડ્યો એ ત્રાજવડાની
બીજી  બાજુનું  પલ્લું   છે   હોવા ના  હોવાની ચર્ચા

આખેઆખા શબ્દકોષમાં  જેના ઉપર  અંખ ઠરી  તે
અરુ-પરુ  કે  અશુ-કશું   છે  હોવા ના હોવાની ચર્ચા

યુગોથી ચર્ચાય રહ્યાના  કારણસર  લાગે  છે પુખ્ત ,
આમ સ્વભાવે સાવ શિશુ છે હોવા ના હોવાની ચર્ચા
કોણ ભયો સંબંધ - ગીત 
ખુલ્લી આંખે અંધ
વાતાયનમાં વ્યાપ્ત રહે પણ
ના પકડાતી ગંધ…

કાયાના કયા ખૂણે વહેતી તિલસ્માતની ધારા
રોમ રોમ દીપમાળ જલે પણ ખૂટે ના અંધારાં
કિહાઁ સાઁસ-ઉસાઁસ સમાગમ ?
કોણ ભયો સંબંધ…
ખુલ્લી આંખે અંધ…

છાતી પ્રગટ નિજ-મંદિર જેના સૌ દરવાજે તાળાં
ચાર ઘડી ચોઘડિયાં વાજે  ઘડી-ઘડી ઘડિયાળા
નિસદિન નામ-નિશાન જરાજર
રચે ઋણાનુબંધ
ખુલ્લી આંખે અંધ…
સખીરી - ગીત


સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની
સખીરી, કેમ..

પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે–સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર–ને નીંભર ટેવ પડી ટળવળની
સખીરી, કેમ..

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને છળમય ભાષા તળની
સખીરી, કેમ ..

ગઝલ -  તું સ્વપ્નથી સહી કરે


આ રાતની ત્વચા ઉપર તું સ્વપ્નથી સહી કરે ,
સુમસામ પાંપણો તળે એ દૃશ્ય જો હરે-ફરે

મારી દરેક રાત સળગે સોડીયમ પ્રકાશથી
ને ભગ્ન જાળિયામાં એક દીવો બળે સમાંતરે

હું મોરપિંચ્છનું કરું કેવી રીતે પૃથક્કરણ ?
પ્રત્યેક રંગ આંખથી ટહુકા બનીને નીતરે !

ચર્ચાને તીક્ષ્ણ ન્હોર હોવા જોઈએ નહી તો આ,
પડતર બનાવનું અહી ઊંડાણ કોણ ખોતરે ?

દિવસોથી એક દૂરતા આવી વસી છે ઉંબરે
એવું બને કે , એ હવે આકંઠ આવી ઉછરે