Sunday, 25 September 2011

જડ્યું નહિ કંઈ

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
લળકઢળક  સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા;
રડવાનું એક સુખ  લેવા ત્યાં, પહોંચ્યા  સંજુ વાળા
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

Saturday, 24 September 2011

લાગું ઝળળ ઝળળ



ઊંડાણથી  તપાસ  આંખોનું  પ્રવાહી તળ,
થોડા કમળ પછી તને મળશે નર્યા વમળ .

પથરાળ  ભોમ  છું,  કશું  ઊગી  નહિ  શકે
તું ક્યાં સુધી ચલાવશે આ શક્યતા’ળું હળ

મુઠ્ઠી ભરીને દૃશ્ય એક  લાવ્યો છું ત્યારથી
નર્વસ રહે છે નભ, દિશાઓ લાગતી સજળ

બારી  બહાર  બૂમ  મારા  નામની  ઊઠે –
‘ને ઓરડામાં હું મને લાગું ઝળળ ઝળળ

આ હાંફતા અવાજના સમ્બન્ધથી અલગ
મૂકી શકાય શ્વાસ જ્યાં એવું બતાવ સ્થળ

Saturday, 17 September 2011

લેન્ડસ્કેપ


પહેલાં તો, 
પાણી જ ; પછી લાલ-પીળો-ભૂરો. 
જીવ સાથે ચોંટી રહેલા 
અપરાધ 
લાગણી 
સંવેદનાઆવેશ-ના અધ્યાસો ઓગળે 
એમ પાણી બધું ઓગાળે. 
એની જ ડાળ, એની જ મોતીએ મઢી પાળ. 

વરાળ જેમ ઉડતા આછા પીળાને 
હડપ કરી જતો વાદળી, જરાક તોરી 
લીલો તપે, તણાય 
પાંદપાંદની ઝીણી ગૂંથે જાળી. 

બધું અરસપરસ , જીવ અને જંજાળો 
ઉઘડે, બિડાય 
ભીંસોભીંસ અથડાય વિકલ્પોની અડખેપડખે 
પછી લાલ-લીલો-ભૂરો ગૂમ 

પિંડ અને પ્રાણ 
રંગ અને લીલા 
દૃષ્ટિ અને સ્પર્શ 
ઘ્રાણ અને ધ્વનિ 
બધાનું એકત્વ રચાય, ફેલાય   
તો પણ ક્યાં પહોચાય ?


 


Friday, 16 September 2011

પ્રતીતિ

અચાનક બધું ગોઠવાઈ જાય 
યથાસ્થાને 
પહેલાં પહેલાં તો કાંઈપણ પરખાય  નહિ 
પકડાય 
છટકે 
જોતજોતામાં તો બધું વેરવિખેર 
પછી ધીમે ધીમે વિકસે . 
ધખધખે 
નદી-કૂવા-તળાવ-ખાબોચિયાં 
અને અંજલિ....... 

પછી વરાળ 
બંધાતો અનુભવાય પિંડ 
ઝીણો ઝીણો ફરકાટ 
ઓળખાય 
બધું વ્યવસ્થિત, સ્થિર 
તેની આસપાસ ગૂંથાય પ્રતીતિઓ 
વચ્ચે વચ્ચે ફરતી રહે આંગળીઓ. 
છેક તળિયેથી ઊપસી આવે ઊભરાટ 
ઝિલાય 

અને એક સમયે અચાનક 
અવતરણ, 
પણ 
આ બધું જ અચાનક.

Sunday, 11 September 2011

ઉત્તાપ

 આટલો ઉત્તાપ ઉત્તાપ?
         એનું કંઇ કારણ તો આપ!


રિસાયાં  બાર બાર  સામટાં  ચોમાસાં
વેણ એવું વંકાઇઅ થય ચાલ્યાં ત્રાંસાં
         ઊમટતા આહ! ઓહ! જાપ!
         એનું  કંઇ  કારણ  તો આપ!
         વલવલતી આંખે  અમાપ!
         એનું  કંઇ  કારણ  તો આપ!

જીવતરના ટેકામાં મણમણ નિસાસા
તળિયેથી  તૂટવાના  ધારદાર  જાસા
         સિંદરીમાં   જુએ   તું  સાપ!
         એનું  કંઇ  કારણ  તો આપ!
         ધબકારા બૂંગિયાની  થાપ!
         એનું  કંઇ  કારણ  તો આપ!

સુખસંગત

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબી-જમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં
                                                             
                                        જાગ્યાને મન ભેદ જાગનો ;
                                        ચડે  સૂતાને  કેફ  રાગનો ;
                                        બંને  છેડે  ખેલ  આગનો ;
                             ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
                                            બેઠા સુખસંગતમાં

જળઘાત

પાણીને પરસેવો અથવા જળને આવ્યાં
          ઝળઝળિયાંની ખબર પડે શી રીતે ?
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
          ચગડોળાતું શું શું એના ચિત્તે ?

         
પડે કાંકરી ધ્રુસાંગ, પડઘે ગિરિ કંદરા ગાજે
          લયવલયમાં જળઝાંઝરિયાં ઝીણું ઝીણું લાજે
સમથળ માથાબૂડ ભર્યા બરપૂર ઓરડે
          જળ રઘવાયું પટકે શિર પછીતે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
          ચગડોળાતું શું શું એના ચિત્તે ?


          જળમાથે ઝૂકેલી ડાળી લળે; જળ છળે, ફરી…
          એક થવાને ઝૂઝે શાપિત યક્ષ અને જળપરી
જળઘાત લઇ જન્મેલું જળ, પળી પાવળે
          વહેંચાઇ વેચાય નજીવાં વિત્તે
તાણ ઘૂમરી તરફડિયાં તલસાટ તૂટામણ
          ચગડોળાતું શું શું એના ચિત્તે ?

Friday, 9 September 2011

ભવ્ય ગઝલ ગુજરાતી



રૂપ-અરૂપા   હે   શતરૂપા !  ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તુ  કેદારો,   તું  મંજીરા ,  તું  જ  ચદરિયા  જીની
રે ભજનોની નિત્ય અનૂપા ! ભવ્ય ગઝલ ગુજરાતી

બાલાશંકર, સાગર, શયદા, મરીઝ, ઘાયલ, આદીલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા  ભવ્ય ગઝલ ગુજરાતી

તું ચંદા, તું  સનમ,  છાન્દસી,  તું   ગિરનારી  ગૂહા  
સૂફીઓમાં તું  સ્પંદન  છૂપા  ભવ્ય ગઝલ ગુજરાતી

અર્થા, વ્યર્થા,   સદ્ય સમર્થા,  તું  રમ્યા , તું  રંભા –
તું મારી  ભાષામાં  ભૂપા !  ભવ્ય ગઝલ ગુજરાતી

Tuesday, 6 September 2011

વારતાને

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે વત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેરમાં  પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઇ
એટલે તો સૂરજને છત્રીથી  છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

Thursday, 1 September 2011

ગીત

રોજ ઝઘડવું, છુટ્ટા પડવું, રડવું, પાછું મળવું
આતે કેવું દળણું,  જેને  રોજ  ઉઠીને દળવું ?

      કહેવું ‘ને સાંભળવું યાને
                          બેઉ સમાન્તર પાટા
     બન્ને વચ્ચે ઊગે,ઓગળે
                             સૂસવાટા સન્નાટા
એય ખરું કે, દિવસે રાતે વધતું બળવું, ઝળવું
આતે કેવું દળણું,  જેને   રોજ  ઉઠીને   દળવું ?

         મેં કહ્યું : આ આવું, ત્યારે
                             તું કહે : ના તેવું
          તાણીતૂસી તાલ મેળવ્યે
                             સોરવું ‘ને સહેવું
વળી વાતમાં વળાંક આવે લઇ ગાતરનું ગળવું
આતે  કેવું  દળણું,   જેને  રોજ  ઉઠીને  દળવું ?
ગઝલ

અહીંથી   ઉઠાવીને  ઓપાર  ફેંક્યો,
જણસ રદ્દી  જાણી લગાતાર ફેંક્યો

નગર નાગરિકતાનો આચાર ફેંક્યો
ત્વચા જેમ વળગેલ વ્યવહાર ફેંક્યો

કુહાડાનો  હાથો બની  નમણી  શાખે
અરે ! આખા જંગલને પડકાર ફેંક્યો

કલમ  નામની કોઈ  જાદુઇ  છડીથી
સરેઆમ   કોણે   ચમત્કાર   ફેંક્યો ?

નરી ધૂળની  એક  ઢગલી ઉપર  તેં,
વિના  કારણે   રમ્ય  અંબાર  ફેંક્યો

હજુ પણ છે ચર્ચામાં મશગૂલ સંતો ,
અમે  પ્રશ્ન  એવો  ધૂઆંધાર   ફેંક્યો