Saturday, 29 March 2014

ફરી ફરી



સરવૈયાં    લેણ-દેણનાં    માંડ્યાં    ફરી  ફરી
તો  કૈં    હાથ  ના  ચડ્યું  સિવાય  વૈખરી

દર્શનનો  લ્હાવ એથી  વધારે ના  લઈ શક્યા
અનિમેષ  બસ નીરખ્યાં  કરી પીળી  પાંભરી

ખૂટી  ગયાં  હો ભોજ  નિજી  ભૂમિ-ભાવનાં
ઉઘરાવ    શબ્દકોષના     પાનેથી     ગોચરી

કવિઓ   ગઝલમાં   કોઈ   કબૂતર   ઉડાડશે
તો   એના   દ્રારે    માથું   પટકશે    કબૂતરી

આવે   છે   છાનાંછપનાં   પગેરું   દબાવતા
મિત્રો    જાણવાં શું  લખાવે  છે  જળપરી

એવું    આજકાલ    ઘણું    સંભવી    શકે
પોતાના  પગની  સાવ  જુદું  ઝણકે  ઝાંઝરી

છેવટ  ઢળી પડ્યું  ક્ષિતિજે  લોહીઝાણ નભ 
ઓઢીને   કાળું    કપડું   ફરે   છે  વિભાવરી

સંકેલી લીધા



જળ જીવાડયાં, પરપોટા સંકેલી લીધા
નર્યા સાચની પડખે બેઠા
ને ફોટા સંકેલી લીધા

આંખોમાંથી કરડાકી નિતારી લીધી
કર્યો મૂછનો રૂવાબ નીચો
ભદ્દી ભડકાબોળ વિફરતી વૃતિ માથે
ધરપતનો ફેરવીએ પીંછો
સ્મિતવતીના સ્મિતે એવું મોહ્યા કે
સૌ હાંકોટા સંકેલી લીધા
    જળ જીવાડયાં, પરપોટા સંકેલી લીધા

ક્લિનસેવથી સૌમ્ય રંગ ચીપકાવ્યા ચહેરે
     ઉપર તાણ્યાં કુમકુમ તિલ્લક
વાતે વિગતે બહુ વિવેકી, વાણી જાણે
મધરાતે ગાતું રહે પીળક
લય લ્હેરખડી વહો હવે લ્યો ! લીટા
  લચકાલિસોટા સંકેલી લીધા
     જળ જીવાડયાં પરપોટા સંકેલી લીધા