Friday, 25 May 2012

પળ જડે નહિ..

સાત સાત જીવતરની  ઊંચી હવેલીમાં જીવ્યાની પળ  જડે નહિ..
લમણે લખેલ  કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ

કાળમુખી રાત સ્હેજ પાંપણે અડે
ત્યાં આંખ ગળતી પરોઢ જેવું ચૂવે
        કોટીબંધ મોર અમે માર્યાની દંતકથા
                                  મંડાતી, પાણીઆરે કૂવે 
માથાફોડ વીંઝાતી  કાળઝાળ ચર્ચાની  કૂંચી  કે કળ  જડે  નહિ
લમણે લખેલ  કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ

        અંદર ભોંકાય મારું અણિયાળું હોવું
                              ‘ને પાનીમાં હણહણતા હય
        એકાંતે  મન સાવ સંકોરી રહેવાનું
                              સમજણનો  સાચવીને લય
મારામાં ગોટમોટ  હું પોતે  હોઉં,  તોયે  સંકેલી  સળ જડે નહી
લમણે લખેલ  કાળા હીબકાં છે, હીબકાંનું તાકું તો તળ જડે નહિ

ગાવ ગઝલ !

આજ ઓઢું : પહેરું કલ
 તે કેવી  ગડમથલ !

જાત    જાણી    જલકમલ
થઈ સમસ્યા સઘળી હલ
નભ     નીચોવાતું   સકલ
તે   પરોઢે   પડતું   વલ !

માંડી  યાદી   સુખદુઃખની
તું     હંમેશાં   રહી  અવલ
શું      હશે      ભીનાશમાં ?
આંખ કાયમ  રહે સજલ !

તળમાં  તાળી  પાડી  તો-
થળમાં થઈ પાથલ ઊથલ
તું    હસે ;   ગ્રંથો   રચાય
હું  હસું ;  કહેતા    નકલ !

નેતિ નેતિ  ક્યા  હે સબ ?
ઊગી  તેવી  લણ  ફસલ
જાણો, તો     આરાધ છે –
લો, ગુણીજન ગાવ ગઝલ !

વાતના વળાંક પર

વાતમાં ‘ને વાતના  વળાંક પર
અણધાર્યા ઉખળતા  આવે કાંઈ, એક્ એક્  સણસણતી ઘટનાના થર
વાતમાં ‘ને વાતના  વળાંક પર

ફુગ્ગો ફૂટે તો એમ લાગતું કે આરપાર
ફૂટ્યો પ્રચંડ કોઈ તર્ક
ઝિલ્યો ઝિલાય નહી સહેજપણ ખોબામાં
પથ્થર ‘ને પીડાનો ફર્ક
છાતીમાં  સંઘરેલા  સૂરજ  સળગાવીને  કરવાનું  હોય  શું  સરભર ?
વાતમાં ‘ને વાતના  વળાંક પર

મનને વાગેલ ઠેશ  ધરબી દઈ ભીતરમાં,
ઉપરથી રહેવાનું રાજી
પાળી, પંપાળીને જીવ જેવી ક્ષણ બધી
                             રાખવાની છેક સુધી તાજી
ઓગળી  ના  જાય એમ  આછા અણસારાને  ઉછેરું  અંદર ‘ને અંદર
વાતમાં ‘ને વાતના  વળાંક પર

વિશેષણ આપજે

છુટ્ટું  મૂકીને  મન  સકારણ  આપજે
ઓછા   અધૂરામાં  ઉમેરણ  આપજે

ભાષા  સરળ  ભાવે વિલક્ષણ આપજે
ગુર્જર-ગઝલ રચવા રસાયણ આપજે

તું આપવા ધારે તો ક્યાં કોઈ ખોટ છે ?
આદિમ  અનર્થોનું  નિવારણ  આપજે

તેં નામ  આપ્યું તો હવે આગળ ઉપર
 નામથી  નમણું  વિશેષણ આપજે

સોહામણું  હો  સ્વપ્ન, લાંબી  રાત હો
એવા   પ્રસંગોપાત   લેખણ  આપજે

કાફી-ના  લયમાં  ઓગળી  હો ઠૂમરી
એવી  સુરીલી  સાંજની  ક્ષણ  આપજે

છે  કાન    બત્રીસલક્ષણા  કાપાલિકો !
હે સાંઈ !  સમજીને  શિખામણ આપજે

Wednesday, 9 May 2012

જડી સરવાણી .....


સહજ  જડી સરવાણી .....
મળ્યું, મેળવ્યું  વાવરવું
‘ને ઉછી-ઉધારું લઈ કરવાની લ્હાણી

રસ્તા વચ્ચે  પડી લખોટી  જોઈ ભૂસકો મારી દઉં બચપણમાં
તનમન લઈને તરવું,ઊડવું સહજપણે સામેલ થવું સગપણમાં
બની  હવાથી  હળવા  રહેવું,
           વહેવું  થઈ  વરસાદી    પાણી
સહજ  જડી સરવાણી .....

રઢ હવેથી  રઢ  રહી  નહી, થામું  ના કોઈ  પરંપરા  કે  રૂઢિ,
ભલે ભીતરે પડાવ નાખી પડી  લાલસા બચ્ચરવાળ  ‘ને બુઢી
નર્યા  ઈશારાથી સંબોધન, 
      ઉર મેળવી  કરવી  નરી   ઉજાણી
સહજ  જડી સરવાણી .....