Sunday, 21 August 2016

ચૂપ થઈ જવાનું


સેલ્ફીથી ધૂમ મચાવે ત્યાં ચૂપ થઈ જવાનું
પોતાના ગીત ગાવે ત્યાં ચૂપ થઈ જવાનું

નાચીને મન મનાવે ત્યાં ચૂપ થઈ જવાનું
નખને ય ના જલાવે ત્યાં ચૂપ થઈ જવાનું

શાસ્ત્રાર્થ કે પ્રમાણો લિજ્જતથી પડતા મૂકી
પંડિતજી  પાન  ચાવે  ત્યાં ચૂપ થઈ જવાનું

વરસાદ   વીજળીનો   સંબંધ  પૂછીએ  તો
તું આંખ ઝિલમિલાવે ત્યાં ચૂપ થઈ જવાનું

એ રોજ - રોજ  મળવાં આવે અચૂક કિન્તુ
બ્હાના નવાં જ લાવે  ત્યાં ચૂપ થઈ જવાનું

ચંદન  તળાવ  પાળે  રુમઝુમતી ચાંદનીમાં
જો યાદ એ ના આવે ત્યાં ચૂપ થઈ જવાનું

ખૂશ્બૂની બ્રાન્ડ બે-ત્રણ, રંગોની બે'ક વક્કલ
લઈ  જાત  ઝગમગાવે  ત્યાં  ચૂપ થઈ જવાનું

એકાદ   મધનું  ટીપું  જો  મિત્રતા  સ્વીકારે
તો  મોતીથી  મઢાવે  ત્યાં  ચૂપ થઈ જવાનું

કલશોર, કેકા, ટહુકા  લયમાં લસોટી પીવા
ઉપચાર  એ  બતાવે  ત્યાં ચૂપ થઈ જવાનું

ખમ્મા ખમ્મા


સડેડાટ  પણ  છાનું-માનું : ખમ્મા ખમ્મા
ઘઉં ભેળા કંકર  દળવાનું : ખમ્મા ખમ્મા

વહી ગયા તે સહુ દસકાનું : ખમ્મા ખમ્મા
ભોળા ભાઇઓનું ભયખાનું : ખમ્મા ખમ્મા

જેને  છબછબિયાં   કરવાની  ટેવ પડી છે
એનું  ઊંડાં  જળનું  બ્હાનું : ખમ્મા ખમ્મા

સામા  ઘરના  શયનકક્ષમાં  નજર પડે ને
ચોળાયેલું  જોઉં  બિછાનું : ખમ્મા ખમ્મા

લાદેલા   અર્થોના   ઉત્પાદન   કરે  જે
ના થઇએ કોઇ કારખાનું : ખમ્મા ખમ્મા

જર્જર થાવું, ફાટી પડવું લખ્યું હોય જ્યાં
છું  એવા  પુસ્તકનું  પાનું : ખમ્મા ખમ્મા

કહો પ્રલય 'ને  ધરતીકંપને  રહે પ્રમાણિક
છે  મારું  ઘર    છેવાડાનું : ખમ્મા ખમ્મા

ચાલી નીકળ


રસ્તો નથી તો કર નવી કેડી અને ચાલી નીકળ
પગપાળા તારી જાતને તેડી અને ચાલી નીકળ

જાળાં નકામા ઝાંખરા ખેડી અને ચાલી નીકળ
સંબંધ 'ને શાખા  બધું  વેડી અને ચાલી નીકળ

સામે  પવન તું  ડગલું  ભરશે  ત્યાં જ લેશે ઊંચકી
લે, તોડ લખ ચોર્યાસીની બેડી અને ચાલી નીકળ

બીજી પળે  આકાશ  એની  મ્હેકથી છલકી ઊઠે
તું રાગિણી એ લાક્ષણિક છેડી અને ચાલી નીકળ

પથ્થરમાં  પણ  સંવેદનાઓ ગીત તારું સ્થાપશે
અણફળ રહેલાં  ઝાડ ઝંઝેડી અને ચાલી નીકળ

સમધર્મી  સાથે  ચાલતા  નિજમાર્ગ સંભાળી રહે
એવી અડીખમ શોધી લે હેડી અને ચાલી નીકળ

સક્ષમ ચડી શકવા ન હો, હા ઝાલ એની આંગળી
પ્હોંચે  પછી  છોડી દે  એ મેડી અને ચાલી નીકળ

શિખરની કેડી


જડી શિખરની કેડી
એક ઝાટકે વંશ-વારસા સાથે
છોડી બહુમાળી નિજ મેડી 
જડી શિખરની કેડી

જામાના  રૂપેરીમાં  જે  રંગ  જુવે રાખોડી
એની પાછળ દંતકથાઓ કરતી દોડાદોડી
શું લેવાં શું દેવાં જેણે ઓઢી
પહેરી  રાખી  માત્ર  પછેડી
એક ઝાટકે વંશ-વારસા સાથે
છોડી બહુમાળી નિજ મેડી
જડી શિખરની કેડી

લાલ  એટલું  કંકુ  અથવા  કાળું  મેશ બરાબર
પરપોટાને કહે : પાણીએ કર્યો પવનનો આદર
રાગ નહીં કોઈ ખીણ, ખડકથી
દ્વેષ દીધો હો ઊંડેથી ઉખેડી
એક ઝાટકે વંશ-વારસા સાથે
છોડી  બહુમાળી  નિજ મેડી
જડી શિખરની કેડી

માત્ર ઈશારો


નહીં વિગતથી કરે વૈખરી કરશે માત્ર ઈશારો
વ્યાકુળ જેનું ચિત્ત ઝીલવા
એને એકે વાતે નહીં મૂંઝારો

પરખ  પવનની  વન અચરજનુ
પાણીના રંગોની સમજણ ઝીરો
કરચ કાચની કેવળ ભાસે
મહામૂલો જે હોય સ્વયંમાં હીરો
ધરમૂળથી ધારણ બદલી
કરે તોલ ને મોલ એજ મણિયારો
નહીં વિગતથી કરે વૈખરી કરશે માત્ર ઈશારો

કૌટિકમાંથી કરી પસંદગી
હોંકારો  જે  આપે  એને  વરે
સરવાં ભાળે શ્રવણ-ગ્રહણને
ત્યાં ધીમેથી જરા અમસ્તું ઝરે
રમે  સાનમાં  સબૂર  સંપદા
ઝમે કદી તો થઈ રહેતી ઝણકારો
નહીં વિગતથી કરે વૈખરી કરશે માત્ર ઈશારો

જોખ્યું


સાવ  નકામું  નમતું  જોખ્યું
અમથું કાં અણગમતું જોખ્યું ?


વધ્યું વજન જ્યારે બાળકને
ફુગ્ગા  સાથે  રમતું  જોખ્યું


વાલ - રતીની વડછડ મૂકી
ધારણથી ધમધમતું જોખ્યું


બજાર  આખી  ફરી - ફરીને
માત્ર આભ આથમતું જોખ્યું


સુખમાં ના સરવાળા માંડ્યા
દુઃખ કદી  ના  દમતું જોખ્યું


લેખ-જોખનો છાંડ્યો મારગ
સઘળું  એમાં  શમતું જોખ્યું


પહેલા    કૃપાદૃષ્ટિ   ઝીલી
પછી વેણ તમતમતું જોખ્યું


તમે ગઝલની તુલના માંગી
મેં ઝરણ રૂમઝુમતું જોખ્યુ

વિચારવું પડશે હવે


વિગતથી સ્હેજ વધુ પણ વિચારવું પડશે હવે
હશે એ  પાત્ર  કે વાસણ વિચારવું પડશે હવે

કહો એ  કોણ  મયારણ વિચારવું પડશે હવે
કરે  જે આવું  ઉચ્ચારણ વિચારવું પડશે હવે

બહુ જ સ્પષ્ટ  છે કારણ વિચારવું પડશે હવે
આ શંકાનું ય નિવારણ વિચારવું પડશે હવે

પદાર્થ  પણ  જ્યાં  પરિસ્થિતિ જાય છે પામી
એ ઇલમી વાણીનું કામણ વિચારવું પડશે હવે

જે  જાગશે  તે ખરીદાર  આવશે  ચોક્કસ
ઉતરશે ઘેનનું  ઘારણ વિચારવું પડશે હવે

જો, અઘરી ગૂંચ પડી નામમાં 'ને નવનીતમાં
મળી આ કેવી મથામણ વિચારવું પડશે હવે

મુરારિને ય  અમે  મૂલવી તો  લીધા, પણ
કરીશું શેનું શિરામણ વિચારવું પડશે હવે
(સંદર્ભ : ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે...... નરસિંહ મહેતા )

રડાર વચ્ચે


નોટ નકલી  બજાર વચ્ચે
એમ ઈશ્વર  વિચાર વચ્ચે
સત્ય એક જ હજાર વચ્ચે
રાખ છે તું  સિગાર વચ્ચે
કૈં  નથી  કામળીમાં જાદુ
લાગણી તાર- તાર વચ્ચે
અંત, આરંભ  કૈં  ગમે ના
વારતા અટકી સાર વચ્ચે
સૌથી  નોખું  સફેદ પંખી
આવી  બેઠું  કતાર  વચ્ચે
તારું સરનામું પૂછીએ તો
પ્રશ્ન  આવે  અઢાર  વચ્ચે
સૌ દિશાઓ ફરી ફુદરડી
રાસ  રમતી  રડાર  વચ્ચે
અવધૂને રસ પડ્યો રજસ્ -માં
આવી બેઠા અમાર વચ્ચે

નક્કી કરે


કરીને ચોખવટ હદ - છાવણી નક્કી કરે
એ પંખી  છે  પહેલાં  ડાળખી નક્કી કરે
કદી  મરજીવા  ઊંડાણો નહીં નક્કી કરે
પ્રથમ એ  ભૂસકો  મારે  પછી નક્કી કરે
બધા રંગોની ઓળખ હોય હાડોહાડ એ
અહીં આવે, 'ને કાળી કામળી નક્કી કરે
પ્રથમ વરસાદનો વિવાદ છેવટ ઉકલ્યો
પલળવું  કે નહીં  એ બાળકી નક્કી કરે
વસે છે નિત્ય  દોડ્યા કરતું પ્રાણી ભીતરે
જરા થંભું ત્યાં બીજી આખળી નક્કી કરે
અચાનક મોભ ખાંગો થાય, તો શું થાય તે
વીતી હો તે અને  એક્ મા'જણી નક્કી કરે
તગઝ્ઝુલ 'ને તસ્વ્વુફ  આખરે સંમત થયા
ગઝલિયત  કાવ્યરૂપી  હાથણી નક્કી કરે

બાકી છે


ગૂંચ  જે પડી  નવી  ઉકલવી બાકી છે 
કીનખાબી ચામડીની પદવી બાકી છે


છે કથા રસાળ  કિન્તુ કથવી બાકી છે
જીવલેણ  ગાંઠ છે,  ઉપસવી બાકી છે


આ સભામાં કોની સામે આંગળી ચીંધો
આંખ સૌને છે, હા છે નિતરવી બાકી છે


તેલ  જોવું   છે  'ને   તેલધાર   જોવી  છે
હા, નિરાળી સુધ-સમજ નિખરવી બાકી છે


હા- માં હા કહ્યા જ કરવી યાને હા જી હા
બસ હવે આ  જીભ  જે કચરવી બાકી છે


સૌ  અવાજનાં  સ્તરોને  સાંભળી  લીધાં
પણ નિ:શબ્દ કોઈ ગુંજ ગરવી બાકી છે

હિંડોળે હીંચું

ઠેક  છેક    પાતાળે   પરબારી  વાગી  રે  હિંડોળે હીંચું
શેષશાયી ભાગ્યા કાંઈ શય્યાને ત્યાગી રે હિંડોળે હીંચું
સાથે સહુ  દિશાઓ  રુમઝુમવાં લાગી રે હિંડોળે હીંચું
સાત સાત સમદરને  ઉર  ફાળ  જાગી  રે હિંડોળે હીંચું
અમથા એક્ ઠેલામાં જઈ પહોંચે ડહોળવાને આકાશી વ્હેણ
કોણ   પગ-અંગુઠા  જેવું   બડભાગી  રે  હિંડોળે હીંચું
મેઘને ઝૂલાવે છે ગોરંભો, એમ ખમ્મા ! જીવને શરીર
ક્યાંથી શરીર તમેં સુખ લાવ્યા માગી રે હિંડોળે હીંચું
ઝૂલવાના ઝાડ ઊગે મારામાં, કિચૂડતો એનામાં નાતો
બાઈ !  એક-બીજાના બેઉં અનુરાગી રે હિંડોળે હીંચું
અરે ! આ તે કે વી અણજાણ કોઈ ઋતુનો નમણો વળાંક
અંદરથી  ઊભરતાં ગીત  મહાફાગી  રે હિંડોળે હીંચું
જુગ જુગ જીવો એ જીભલડી : ઝૂલણાને લયભર લડાવ્યા
રાગ-થાટ  ગૂંથીને  ભેળા  બિહાગી   રે હિંડોળે હીંચું

ડાળખી



ડાળખી તો હબકીને ગઈ હલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !

પોતાની આવડત મુજબના તોડ સહુ અળવિતરા કાઢે કાંઈ એવા
ખમતીધર ૠત સ્હેજ ભાળીને ભોળવાઇ જાવાના વારસાઇ હેવા
કોઈ વાત એવી પણ હોઈ શકે રંગ જેનો હોય જરા શ્યામલી
ફૂલ કેમ સાંજ  સુધી  રાતાં  હતાં  તે થયાં અચાનક જાંબલી !

ઊગમણી  બાજુની  અડાબીડ  અમીરાઈ  ઠેકીને  આવી   ગઈ    કાંઠે
પાણી ભાળીને આભ આંબવાની જીદ કરી નમણા એક શેરડીનો સાંઠે
એના અચંબામાં ગળાડૂબ જોગીદાસ, હું ને મારી નાવલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !

કંટાળો


બસ એક ટકટકનો આવે કંટાળો

ઘર હો તો ઘડિયાળો હોવાની, કિન્તુ કાં શાંત રહી વહેતા સમયમાં ના દઈ શકે ફાળો ?

ટકટકના  ઉપડતાં   શૂળ  કાંઈ   એવાં  કે વિંઝાતાં વાવાઝોડાં ય સાવ હળવેરી ફૂંકનખશિખ ઘડિયાળપણાં નાબૂદ કરવાની ઠામ
મરજી થઈ જાય કોઈ લાવી આપે જો બંદૂક


એવી સજગતાને શું કરવી ?
જેને ના હોય કોઇ સારા- નરસાનો વરતારો કે ટાળો

બસ એક ટકટકનો આવે કંટાળો

દૂધથી  દાઝેલ  છાશ  ફૂંકીને  પીવે  તોઆપણે પણ શંકાથી જોવાના મ્હેક અને ફૂલચકલીની ચીં  જેવી  મામૂલી ઘટનામાંકેમ   કામ  બંધ  કરી  બેઠું  આ   વાતાનુકૂલ

ચાલ એક આખરી ઉપાય એમ કરીએ કે, વાત અને વિગતમાં છૂટમૂટ રાખવાનો ગાળો

બસ એક ટકટકનો આવે કંટાળો





સંભાળો જરા !


આગ સાથે ખેલતા  હે મિત્ર ! સંભાળો જરા !
સ્તંભને આલિંગતા  હે મિત્ર ! સંભાળો જરા !
બાંધી રાખ્યા તે ભલે  હો મેઘ કાચા તાંતણે
કિન્તુ અશ્રુ ખાળતા હે મિત્ર ! સંભાળો જરા !
તારી નસનસમાં વહે છે શું, પ્રથમ એ જાણી લે-
તથ્ય ને તળિયે જતા હે મિત્ર ! સંભાળો જરા !
છો રહ્યા એક્ જ સમયના સહરથી ‘ને સારથી
પણ ધનુર ટંકારતા હે મિત્ર ! સંભાળો જરા !
આવ, લે અણદીઠને હું ઓળખું, સ્પર્શું જરા
ક્યાં સુધી આ દૂરતા ? હે મિત્ર ! સંભાળો જરા !

નરાતાળ વા-ના


કહ્યું  કોઈનું  એ  નથી   માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા-ના

પ્રગટવું  હશે  તેઓ પ્રગટી જવાના
ભલે  સામે  છેડે  મથે  લાખ  વાના

ઉડી ગઈ જો કોયલ તો છોને ઉડી ગઈ
ઘણા  અન્ય  મિત્રો  હશે  ઝાડવાના

સપાટી ઉપર જેનું અંજળ હો આવ્યું
ઝરણમાં ડૂબી  એ તરણ ઝાલવાના

હજુ  કાં  વીતકને  કચકડે  મઢે  છે ?
હજુ  યત્ન  બાકી  છે ઉગારવાના ?

ભવોભવનું ભાથું સ્મરણ એક-બે છે
અને   એક - બે   રંગ    ઉમેરવાના

કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના

ભીતરથી ભાવમય


ભવરણ  તરી  જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય


જે  ઓળખી  જશે  તે  સદાકાળ  હો અજય
રમવું  દે  સાથ  તો  રમે  વક્તા અને  વિષય


ભ્રમણા નથી  રહી  કે  નથી  ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ, નવા નિશ્ચય


દેખાઉં   હેમખેમ  એ  બાહિક  સ્વભાવ  છે
અંદર  ઉઠી  રહ્યા  છે  કૈં  આંસુભીના પ્રલય


સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે  જ  આંબી  જાય  છે  પૂરૂં  થયેલ વય


ટ્રાફિકમાં   ગૂંચવાય   ગયો    હે  મહારથી !
સક્ષમ  છે  પાર  કરવા  તું  વર્તુળ  'ને વલય


દુર્ભાગ્ય  આપણા  કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો  હાથવેંતમાં  કાયમ રહે છે જય

છાંઈ


હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ  ના લાધે છાંઈ
પગ તળેથી પ્રગટી પાછી, પગમાં રહે સમાઈ

તાણો  તો  ના તૂટે, અંગે  પડે  નહીં  ઉઝરડા
ઝીલે, ઝૂલે, જરજરે પણ જળકમળવત્ ભરડા
સીધા સાથે સીધું ચાલે, અવળાં સહ અવળાંઈ
હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ ના લાધે છાંઈ

નામ-રૂપને  છોડી   વહેતી,  આકારે  આકારી
નિરાકારની નહિ દેખાતી નિશ્ચિત બિલકુલ ન્યારી
છાંઈ વિનાનો પદાર્થ કેવો ? કઈ એની પરખાઈ?
હાથવેંતમાં  હોય  પરંતુ  હાથ  ના  લાધે છાંઈ