Sunday, 18 March 2012

અંધારે અજવાસ.....

અંધારે અજવાસ  સમું કૈ  થાય સખીરી.....

ફોરે   ફોરે  શું  ભીંજાવું ?  ઈચ્છું  અનરાધાર
આંખ અધીરી  ફોરોઓનો ના સમજે વિસ્તાર
અણુ – અણુથી ઝરતી ઝીણી લ્હાય સખીરી ....

અંધારે અજવાસ  સમું કૈ  થાય સખીરી.....

મર્માસનનો  ભુક્કો કરતા પામ્યા એવો  તાગ
સર્વે  સરખું ભીતર-તટ પર કેળ ઊગે કે સાગ
ગહેંક/મહેક-નો  શો  ખુલાસો  થાય સખીરી ?

અંધારે અજવાસ  સમું કૈ  થાય સખીરી.....

Tuesday, 13 March 2012

જાગીર થઈ જશે


પરચો  બતાવશે  પછીથી  પીર  થઈ  જશે
આખું  શરીર  દુઃખની    જાગીર  થઈ  જશે

સંવેદનાના  શસ્ત્રને   હો  બા-અદબ  સલામ
 આંખ  ઊંચકશે ‘ને તીણું તીર થઈ  જશે

કિનખાબી   ભૂતકાળનો   પડદો  પડે   અને
સૌ  પાત્ર   રંગમંચનાં   દિલગીર થઈ  જશે

મસ્તિષ્કમાં  સભા   ભરી   બેઠેલ   સંસ્મરણ
પ્રત્યેક  મારા  શબ્દની    તાસીર  થઈ  જશે

નિર્જન  બપોરવેળ  જેવા  મનની  ડાળ  પર
તારા   વિચારમાત્ર   કોયલ-કીર   થઈ  જશે

ભાંગેલ  ભીંત  શી  અવસ્થાની  અણીએ   તું
આધાર  આપશે  અને   અકસીર   થઈ  જશે


હજુ

હજુ  પ્રભાતી  સ્વર  ઉઘડતા તુલસીક્યારો સીંચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ  પવનમાં  ભેજ  વહે છે,  હજુ ઢાળ છે લીલા
હજુ  ઋતુઓ   વળાંક   લઈને  છેડે  કંઠ  સુરીલા
હજુ  કોઈ  માળામાં  પ્રગટે  પહેલવહેલું  ચી..ચી..
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ  ક્યાંક  આથમતી  વેળે  બેસી  બે-ત્રણ વૃદ્ધા
હજુ  વિગતના સ્વાદ ચગળતી ખખડધજ  સમૃદ્ધા
હજુ  વયસ્કા  પુત્રી  ઉત્તર   વાળે   નઝરે  નીચી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

હજુ  નદીના  કાંઠે  કોઈ  કૂબામાં  ગાતી  મુનિયા
હજુ  ય  ચાંદામામા  કહીને   મા  દેખાડે  દુનિયા
હજુ ય  નવતર  રંગ  પકડવા  તું પકડે છે પીંછી
હજુ મને એ લય ગણગણવો ગમતો આંખો મીંચી

ગુપ્ત રાખ્યું છે

કહ્યું   એથી   વધારે   ગુપ્ત    રાખ્યું  છે
બધુ  ઘરમાં  છે,  દ્વારે ગુપ્ત    રાખ્યું  છે

હકીકત    છે  ''કારે   ગુપ્ત   રાખ્યું  છે
પ્રથમ પળથી જ પ્યારે ગુપ્ત રાખ્યું  છે

ઘડ્યાં મનમાં 'ને મનમાં લાખ મનસૂબા
પ્રકટ   કહેવામાં   ભારે ગુપ્ત રાખ્યું  છે

રહસ્યો  તળનાં જાણી  લે  છે  મરજીવા
નદીએ  તો   કિનારે   ગુપ્ત   રાખ્યું  છે

હવે   આઠે  પ્રહર   ચર્ચાય   છે   વિગતે
અમે  જે     છાશવારે ગુપ્ત   રાખ્યું  છે

રહ્યું   ના માત્ર   તારા   એકથી   છાનું
જે સઘળું  શત-હજારે  ગુપ્ત રાખ્યું  છે