Monday, 10 November 2014

કવિતા નામે સંજીવની (ઈ-બુક)

મિત્રો,
કવિતા નામે સંજીવની - સંજુ વાળા - પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર
હવે ઈ-બુક સ્વરૂપે....

કોઈને  સુખ   કોઈને  ન્યોછાવરી  જીવાડશે

અમને  કવિતા નામની  સંજીવની  જીવાડશે

- સંજુ વાળા...


Sunday, 13 July 2014

ખણખણે છે ખંજરી..


જેવું   છે   એવું      અવતરશે   અને  મરશે  ફરી 
યુગ-યુગાન્તરથી  અહર્નિશ  ખણખણે  છે  ખંજરી..

છાતી    કૂટી,  ચીસ    પાડીને    પુરાવી   હાજરી 
 તે  છતાં  અસ્તિત્વની   સ્થાપી  શક્યા  ક્યાં  ખાતરી

ટેલિફોનિક   ટોક   જેવા   દૂરના   સમ્બન્ધ     
ક્યાં   વળાંકે   થાશે   ટ્ટ..?  અધવચાળે   આતરી !

સિદ્ધિ  કે  સગવડ ભર્યું  હોવાનું  ક્ષુલ્લક  બ્હાનું  લઈ  
ભેંસ   થોડી   મારીએ  ?  એક   પામવાને    વાધરી

તર્કના   રંગીન   ફુગ્ગાથી   મઢ્યું  છે   તારું   વિશ્વ  
મારા   આકાશે    નમણી    કલ્પનાઓ    વિસ્તરી

પાંચ  ડગલાં  પાછાં  ફરતાં  અપશુકન થઈ જાય છૂ..  
શું  કરો જ્યાં  ઊંબરા  પર  આડી  આફત   ઊતરી ?

મૃત્યુ   તો   છે   વન્યપ્રાણી    હોય    સર્કસનું   ભલે   
   ગમે   ત્યારે    પ્રગટશે   પૂર્ણ    હીંસકતા   ધરી

Saturday, 29 March 2014

ફરી ફરી



સરવૈયાં    લેણ-દેણનાં    માંડ્યાં    ફરી  ફરી
તો  કૈં    હાથ  ના  ચડ્યું  સિવાય  વૈખરી

દર્શનનો  લ્હાવ એથી  વધારે ના  લઈ શક્યા
અનિમેષ  બસ નીરખ્યાં  કરી પીળી  પાંભરી

ખૂટી  ગયાં  હો ભોજ  નિજી  ભૂમિ-ભાવનાં
ઉઘરાવ    શબ્દકોષના     પાનેથી     ગોચરી

કવિઓ   ગઝલમાં   કોઈ   કબૂતર   ઉડાડશે
તો   એના   દ્રારે    માથું   પટકશે    કબૂતરી

આવે   છે   છાનાંછપનાં   પગેરું   દબાવતા
મિત્રો    જાણવાં શું  લખાવે  છે  જળપરી

એવું    આજકાલ    ઘણું    સંભવી    શકે
પોતાના  પગની  સાવ  જુદું  ઝણકે  ઝાંઝરી

છેવટ  ઢળી પડ્યું  ક્ષિતિજે  લોહીઝાણ નભ 
ઓઢીને   કાળું    કપડું   ફરે   છે  વિભાવરી