Saturday, 29 December 2012

વિશે





આવતા  ‘ને  જતા  સાદ   પાડીને  બોલાવતાં  સ્થળ વિશે
ચાલ ! લખીએ ગઝલ ભાસ-આભાસની ઝાંખી ઝળહળ વિશે

લાખ યત્નો પછીથી ય  ક્યાં  સાંપડી  ભાળ  અનગળ વિશે 
અબઘડી, અબઘડી  કરતાં  છટકી  જતું  વેંત-આંગળ વિશે

એક   કૂમળી   કળી   બ્હાવરી  બ્હાવરી  પૂછતી  ફૂલને –
કેમ  પ્હો  ફાટતાં  લગ નથી  ખત-ખબર કોઈ ઝાંકળ વિશે

કોઈ  નક્કર   હકીકત  વિના   આમ  કૈં  ભાગી  છૂટે નહીં
દોસ્ત ! કાં  સાવ ખોટું બતાવે  છે  તું બહાનું અંજળ વિશે ?

જેવું   જે   ચાહશે   તેવું  તે  પામશે,  પાત્ર  અદભૂત  છે-
રાખી  શ્રદ્ધા   ભરી  જો  જરા  અંજલિ,  રસની તાંસળ વિશે

જીવ !  મોકો  મળ્યો  છે  તો આકાશમાં  ચાલને  ઉડીએ !
કોણ જાણે  પછી  ક્યારે ‘ને  ક્યાં  મળીશું   ભૂતળ વિશે

ક્યાંથી  આવી  ચડ્યાં આ  અવાજોના  ધૂસર નર્કાગારમાં ?
કોણ  સમજાવે અહીં,  નાદ-નર્તન વિશે; ભેર-ભૂગળ વિશે ?

ઊગેલી પાંખને !



સાવ સામે  આવી  ઊભાં  હો અને ..
શક્ય  છે  હું ઓળખું  ના  આપને !

સાંભરણ,   સમ્બંધના    ઊંડાણને
તાગતા  અડકી  જવાતું   આભને !

કેટલાં   પાછળ  લીસોટા  પાડવા ?
એની ક્યાં કૈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ પણ મન બંધ છે-
કેમ   ફફડવું ?  ઊગેલી   પાંખને !

પહોંચવું,  પામી   જવું,  તરછોડવું
એજ ઘટનાક્રમ મળ્યો તમને-મને !

જે  કહું   છું  એજ   પાછું  સાંભળું
સાંભળ્યું  જે  એજ  કહેવાનું  બને !

છાંયે  બેસે   એની  છાયા  ઓગળે
તડકે  ચાલે    ગૂમાવે  ઝાડને !

વારી.. વારી.. જઈશું !



ધલવલાટ ધરશું  ‘ને વારી.. વારી.. જઈશું !
જાતથી  ઝઘડશું  ‘‘ને વારી.. વારી.. જઈશું !

ભેળાં ભેળાં રમશું  ‘ને વારી.. વારી.. જઈશું !
નથણી જેમ જશું ‘ને વારી.. વારી.. જઈશું !

ઓળઘોળ   કરશું  ‘ને વારી.. વારી.. જઈશું !
આંખથી  ઊભરશું ‘ને વારી.. વારી.. જઈશું !

વેણે-વેણે   ઠરવાં,   સુગંધ   જેવું   તરવાં !
ઝીણું-ઝીણું  જરશું  ‘ને વારી.. વારી.. જઈશું !

તંત-તંત   જેનાથી   છે  સભર,  સમર્પિત-
વારી-વારી  વરશું  ‘
ને વારી.. વારી.. જઈશું !

સ્પર્શ  ઉપસી  આવ્યા પટોળાભાત થઈ ત્યાં
રંગ  થઈ ઊઘડશું  ‘ને વારી.. વારી.. જઈશું !

મોરપિચ્છ     વીંઝીને     વેર    વાળવાના
મનસૂબાઓ ઘડશું  ‘ને વારી.. વારી.. જઈશું !

શ્રી ! તમારી  સાથે  સ્વનામ  સાંકળી   લઈ
હક  કરી  હરખશું   ‘ને વારી.. વારી.. જઈશું !

પળ–પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
નિત નવા ઉજવશું  ‘ને વારી.. વારી.. જઈશું !

(સ્મરણ : પ્રેમલક્ષણાના આરાધકો નરસિંહથી મોરાર સુધી.)

વણજ આપે




ગોઠડી  સંતલસ  વણજ આપે
જ્ઞાનીને નિત નવી ગરજ આપે

હા-હજૂરી   કરે  અરજ  આપે
તું  ફકીરોને  કાં  ફરજ આપે ?

ગણગણી લે, એ જે સહજ આપે
રોજ ક્યાંથી  જુદી  તરજ આપે

હાથ  લંબાઈ ને  થતા  લાંબા
તે પછી  કણ  સમું  કરજ આપે

પગ છે  તો  પગરખાં  જરૂરી છે
કોણ  આવી સરળ  સમજ આપે

એ અજર પહાડ  થઈ રહે ઊભા
જેને   સંજીવની   ઉરજ  આપે

રાતભર   રમ્ય   રાગ  રેલાવે
ફાટતા પ્હો,  પ્રગટ પરજ આપે

જળમાં પ્રગટતી જ્વાળા





ધીમા  પરંતુ  મક્કમ    ડગ  ભરે  નિરાળા
દૃષ્ટિમાં  સ્વપ્નસૃષ્ટિ,  મન   મારતું    ઉછાળા

ક્યાં પહોંચવાની ધખના, ક્યાંની જપો છો માળા ?
ઘર  પોતે  આમ  તો  છે   હરદ્વાર  ‘ને  હડાળા

ઊઘડવા  દીવાલો   બિલકૂલ  હતાં  જે  સક્ષમ
  ટેરવાંને   કોણે   મારી   દીધાં  છે  તાળાં ?

અંદર   રહી    ઊછરતી    ઉત્કંઠ   કામનાઓ
દેખાડવા   છે   તત્પર  કૈં   આકરા    ઉનાળા

 મારું  લોહી  છે ? કે  કોઈ  બજારું  સ્ત્રી છે ?
દિન-રાત   ભોગવે   કાં  સૌ  ઉબકા – ઉકાળા ?

અચરજ ગ્રહી  સ્થિતિનું  સામ્રાજ્ય તો જુઓ આ
જ્વાળામાં રમતાં જળ ‘ને જળમાં પ્રગટતી જ્વાળા

ગરવી  ગઝલના જાણે બે રસ છલકતા મિસરા
પહેલો  તે  સંજુ વાળા  બીજો   સંજુ વાળા