Wednesday, 6 June 2012

આંબલો


ઉંબરા  મોઝાર મ્હોર્યો  આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ......

અવળા તે હાથની આડશ્યું  કરીને કાંઈ
સવળે  પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ એને
કેમ ભર્યો  જય ફૂટી બોખમાં ?
ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
એન આકરો ધીખે છે વૈશાખ રે.....
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ......


હોય  જો  કપાસ એને ખાંતે ખાંતે કાંતીએ
‘ને કમખો વણીને  કાંઈ પ્હેરીએ
માથાબૂડ  આપદાના ઝળુંમ્બ્યાં  રે ઝાડ
                        ઝીણા  નખ થકી કેટલાંક વ્હેરીએ ?
મોભ રે મૂકીને ઊડ્યો  મોરલો
ભેળી  ઊડી  હાલી બેઉ આંખ રે ...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ......

(રાગાધીનમ્—ગીતસંગ્રહ -૨૦૦૭ {પ્ર : રંગદ્વાર પ્રકાશન, જી-૧૫ યુનિવર્સીટી પ્લાઝા, નવરંગપુરા , અમદાવાદ -૩૮૦૦૦૯ ફોન :૦૭૯ ૨૭૯૧૩૩૪૪.} પૃ. ૭૩)

1 comment:

  1. વાહ વાહ વાહ સંહુ ભાઇ...સલામ...અત્યાર સુધી માં મેં સાંભળેલ તમામ ગીતમા મને શ્રેષ્ઠ ગીતમા સ્થાન આપવાનુ કહેવા માં આવે તો હુ આ ગીતનિ પસંદગી કરુ...

    ReplyDelete