Thursday, 2 August 2012

સખીરી, કહો થાપાના નામ કેમ લેવા ?

કંકુમાં ઝબકોળું હાથ ત્યાં તૂટી પડે ઘરની પછીત  અને નેવાં
સખીરી, કહો થાપાના નામ કેમ લેવા ?

મંદિરની પગથારે વાગેલી ઠેસ વિશે
લોકોમાં ચર્ચાતો શંકાનો લય 
શ્રીફળ ‘ને ચોખામાં ધ્રુજારી અવતરતી
                        ઊંડળમાં ઊઘડતો  ધારદાર ભય
વાચાને વળગ્યું રે ડૂમાંનું ભૂત અને તરફડતા હિલ્લોળ પારેવા
સખીરી, કહો થાપાના નામ કેમ લેવા ?

સંશય તરબોળ  હાથ દીવો લઈ નીકળતા
                        શોધવાને વિખરાયા અવસરના હાલ
ઝાકળિયા સંદેહે પડખામાં નીંઘલતો
                        પરદેશી બાવળનો લીલોકચ્ચ  ફાલ
લોહીઝાણ ભાંભરડે છલકાતું  આભ જોઈ  ભમ્મરીયે ડૂબવાના હેવા
સખીરી, કહો થાપાના નામ કેમ લેવા ?

1 comment:

  1. અરે સાહેબ આ ગીત હજુ સુધી કેમ સ્વરબધ્ધ નથી થ્યુ...અથવા થયુ છે તો મારા હાથ માં નથી આવ્યુ..સુંદર...
    વાચાને વળગ્યું રે ડૂમાંનું ભૂત અને તરફડતા હિલ્લોળ પારેવા.......વાહ વાહ

    ReplyDelete