કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
આંગળી નીચોવીએ તો રેલાતા ટાચકા
પણ કોઈ રીતે તૂટતું ના કળતર
અડીયલ ઉજાગરાનો જાંબુડીઓ ગઢ
વાય વ્હાણું ‘ને ખરી પડે ખર.. ખર...
ભીંત ભૂલીને દીવા બદલે પેટાવ્યો રે મણિ
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
આછેરી ઓળખેલી અણીયાળી ફૂંક
આજ વીંઝાતી કાચેરી વયમાં
સાંભરે ચટ્ટાક લાલ નીતરતા ડંખ
પછી રેબઝેબ ભીંસાવું ભયમાં
કોઈ સપરમી પીડાની ભોંકાતી તિર્યક અણી
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
કેસરભીની હથ્થેળીમાં બોળી રે તર્જની !
અંગ્ ધ્રાસકો મ્હોર્યો ટપ્પક દડી પડી એક કણી
[ કંઈક/કશુંક અથવા તો ..... (૧૯૯૦) પૃ.૧૪]
No comments:
Post a Comment