Sunday, 30 September 2012

પ્રમાણિત છે સાહેબ



લયથી ઉપર ગયા તે લયાન્વિત છે સાહેબ
બાકી  પ્રવાહમાં     પ્રવાહિત  છે સાહેબ

વાણીની ચોથી વશથી વિભૂષિત છે સાહેબ
સમજાય તો સરળ રીતે સાબિત છે સાહેબ

બારાખડીની  બહાર જે  મંડિત  છે સાહેબ
તે સૌ સ્વરોમાં  તું  જ સમાહિત છે સાહેબ

કોણે નદીનાં વ્હેણ વહાવ્યાં કવન  વિશે ?
‘ને  કોણ  બુન્દ બુન્દ તિરોહિત  છે સાહેબ

વૃક્ષોના  કાનમાં  જે  પવન  મંત્ર  ફૂંકતો
તેના  વિશે અજ્ઞાત સૌ પંડિત  છે  સાહેબ

અંગત હકીકતો જ અભિવ્યક્ત થઈ કિન્તુ
તારા પ્રમાણથી    પ્રમાણિત  છે સાહેબ

સઘળી  સમજનો છેવટે નિષ્કર્ષ એ મળ્યો
છું ક્યાંક હું, તો ક્યાંક તું ચર્ચિત છે સાહેબ

No comments:

Post a Comment