Sunday, 30 September 2012

ન્યુજર્સીમાં આદિલજીને !!



ન્યુજર્સીમાં  આદિલજીને  કેવાં  કેવાં  સપનાં આવે !

એક્ બપોરે આંખ મળી ત્યાં ભાળ્યું અમદાવાદ
શહેર   ધુમાડે   ઢંકાયેલું,   પથ્થરનો  વરસાદ
એક જ સૌનાં ચહેરે  તણાવ,સૌની સરખી રાવ
આ કાંઠે  દિ’ આથમતા  ઓ કાંઠે ચડતો  તાવ 
ગુજરાતી   ભાષામાં   વાંચે  દાઢીધારી  લાશ
મનહર મોદી ‘હલ્લો’ કહે ‘ને હૈયે વળતી  હાશ
ધૂળ  વતનની  વ્હાલી  કરતાં  ચડતું મન ચકરાવે !
ન્યુજર્સીમાં  આદિલજીને  નિત નિત   સપનાં આવે !

સ્ટેબિંગધર્મી  ધધૂપપૂઓ  રે ! ખંજરની   ખેતી
સુક્કીભઠ્ઠ   સાબરની   રાતુંચટ્ટાક   ભીંજે  રેતી
ફરે સ્તબ્ધતા પહેરી ઢાલગર નાકે નિજની આંખ
એ..ચાચા, એ..ભાઈ મને દો માણસપણાની સાખ
આ ટોળું, આ જૂલુસ, આ તો એ અને આ એઓ
વચ્ચે કવિ  કરજોડી  ઊભાં કોણ લૂછે  પરસેવો 
સ્વયં   જુલાહાવંશી   થઈને   શબદ-રવેણી  ગાવે
ન્યુજર્સીમાં આદિલજીને વિધવિધ કેવાં સપનાં આવે !

No comments:

Post a Comment