Sunday, 30 September 2012

શેષમાં સાહેબ !



સઘળા પછી  જે  કૈં  વધે  તે  શેષમાં સાહેબ !
મેં પણ સતત શોધ્યો તને અવશેષમાં સાહેબ !

સીધા  કથનમાં  કે  ઉવાચું   શ્લેષમાં સાહેબ !
છે   આપવીતી   સર્વથા  આશ્લેષમાં સાહેબ !

ના થઈ ઠરીને ઠામ વહેતી નાડીઓની ચડ-ઉતર
એવું  તે  શું  ઓછું  પડ્યું  આદેસમાં  સાહેબ !

જાહોજલાલી  સાયબી  નવલાખ મૂકી માળવા
કોણે   ગઝલ  છેડી  ફકીરી   વેશમાં  સાહેબ !

કોરાઈ આરસમાં કદી તું ભોગ છપ્પન ભોગવે
વિલસે  કદી  વાસ્તવરૂપે   વિશેષમાં  સાહેબ !

હું દ્રાક્ષમંડપમાં  વિહરતો વાયરો,  તું લહેરખી
સામે   મળીને   આવશું   આવેશમાં  સાહેબ !

ચાલો  શહેરી  સભ્યતાની  પાઠશાળામાં  હવે
ગમતું  નથી  આ ગામઠી  ગણવેશમાં  સાહેબ !

ઠાલા ! ગઝલને ગાળ મા દેજો, જરા સંભાળજો  
એ છે  ગિરાની  સદ્યસ્નાતા    રેશમા   સાહેબ !

No comments:

Post a Comment