(૧) ભેદે ભાષાનું વર્તુળ !
સામે ચાલી માગ્યા શૂળ ,
પહેર્યા જાણીને પટકૂળ
વ્હાલું જેને મુંબઈધામ ,
એને શું મથુરા-ગોકુળ ?
એ શું સ્વાદનો જાણે મર્મ ?
બહુ બોલકા ચાખે ગૂળ !
નક્કી પામે એ નિર્વાણ
ભેદે ભાષાનું વર્તુળ !
ભીંતો હારી બેઠી હામ ,
અને ઈમલો પણ વ્યાકૂળ
ભાગી છૂટ્યા થઈ એકજૂથ
ઘરડી ઈમારતનાં મૂળ !
તર્યા-ડુબ્યાની મળે ના ભાળ
અડસટ્ટે ઈકોતેર કુળ
ઝાલીને માળાનો મેં'ર
નાહક સુક્ષ્મને કીધું સ્થૂળ !!
(૨) વૃક્ષ તો અંતર્ધાન
થઈ એકઠાં સુક્કાં પાન
ગાય વૃક્ષનુ મહિમાગાન
ખખડી, ખંખોળે સંધાન
તો ય વૃક્ષ તો અંતર્ધાન
લવે, રટે કરતા શુકપાઠ
ના સમજે ઈશારો, સાન
પથ્થર-ઉલ્કા એક સમાન
એની આગળ શું વિજ્ઞાન ?
ભય મોટો કે ભૂંડી ભૂખ ?
બેઉ બિચારા દયનીય મ્લાન
રહે નહી અવધારણ ભાન
બન્નેથી ચડીયાતું જ્ઞાન
વિસ્તાર્યું વાતોનું વૃત
ક્યાંથી પામ્યા આ વરદાન ?
nothingnessનું પકડી પુચ્છ
થઈ બેઠા અકારણ મહાન .
(3)મલોખાંની ભીંત
સહુ સહુ-નાં નિજ-વર્તન રીત
પરખે ના પોતાનું ચિત્ત
કૂવો પૂર્યા પછીનું જ્ઞાન
અભણ આંકતા જેમ ગણિત
ખાખરની ખિસકોલી સ્વાદ
યાને મન વગરની પ્રીત
અલગ અલગ ભાષા ભૂમિત
કહો ! થાય કેવું વિદિત ?
મણઝર સામે ઘી-નો દીપ
ક્યુ અજવાળું થાય પ્રતીત ?
લખ ચોર્યાસીમાંથી એક
થાય બાદ તો શું વંચિત ?
આગળ-પાછળ સર્વે ઠીક
પગલું માંડે જાણી હીત
રહે ફૂંકનો પણ સંદેહ
નર્યા મલોખાંની હો ભીંત !!
ગાઢ અરણ્યો વચ્ચે પોક
રડે, કૂટે પણ સર્વે ફોક
સંવેદનહીનને શી શેહ ?
શહેર છોને પાળે શોક
આંખો મીંચી કરતાં જોખ
પરખાશે કેવો આલોક ?
ઝીણવટથી જુએ તું દૂર
પગ પખાળે ત્રણે લોક
મધમાં બોળી વાવે વેણ
નિખારવા સુભાષિત, શ્લોક
દઈ ટકોરા ખોલ કમાડ
અંદર તો પહેલાં વિલોક !
કહે કંઈક સંભળાતું કંઈ
અવઢવ ઊગે થોકેથોક
અરધાને અધકચરી ઊંઘ
અરધું છે મુર્છાગ્રસ્ત લોક
No comments:
Post a Comment