એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે
એક ઊંચી દીવાલ અને આપણે
ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ
ટીપું હયાતીને સાચવવી કેમ, અહી ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો તો જઈ ‘ને વસીએ રે પાંપણે
એક ઊંચી દીવાલ અને આપણે
થડને વળગેલ કોઈ વેલીની જેમ, અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવાં ઉથાપો કે જન્માંતર ઊખડે
થાપો તો કોઈ છેક તળિયાની થાપણે
એક ઊંચી દીવાલ અને આપણે
No comments:
Post a Comment