બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમુન્ધ સૂતું હોય અંધારું
ઘરમાં તો એવું પણ હોય !
તું ધારે ચકલીની લોહીજાણ ચાંચ વિશે કાચ વિશે હું ધારું
ઘરમાં તો એવું પણ હોય !
મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી
અજવાળું ઓરડામાં આમ-તેમ ફર્યા કરે, જાણે કોઈ વૃદ્ધ હોય જક્કી
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું
ઘરમાં તો એવું પણ હોય !
બેવડ વળીને કોઈ ખૂણામાં.........
ચપટીભર ઘટના ‘ને ખોબોએક સપનાં લઇ વહી જાશે પાંચ-સાત દાયકા
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઉડે વાયકા
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે : હું કહેતો વારુ
ઘરમાં તો એવું પણ હોય
બેવડ વળીને કોઈ ખૂણામાં..........
No comments:
Post a Comment