Saturday, 29 December 2012

પરિત્રાણ મૂકી



સોળવલ્લી  ચૂપકીદીની  અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર  આસમાની  રંગની  રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે  ચડી હો  એવું કચ્ચરઘાણ મૂકી

છો  હીરા-માણેકનું  હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં  યુગોથી  વિનવું  છું  નિત નવા  જોગાણ મૂકી

તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો  તરન્નુમમાં  અમે  લોબાન  જેવી  ઘ્રાણ મૂકી

એવું  તે  શું વૃક્ષના આ  છાંયડાઓ  પાથરે  છે ?
કેમ  ખેંચે  છે  મને  બેસી  જવા  પરિત્રાણ મૂકી ?

જલપરીઓની  કથા  જેવાં  હતાં  જે  ભાવવિશ્વો-
એમાં ઉમેરણ  કર્યું  લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી

ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય  મરજીવાઓ  પાછળ  જંપલાવ્યું  વહાણ મૂકી

-*-
જોગાણ=અશ્વોને તાકાત વધારવા ખવરાવતા અનાજ-કઠોળ.

No comments:

Post a Comment