આગળ ઉપર જોયું જશે
હે મન અધિરા મા હજો આગળ ઉપર જોયું જશે
એ જે પઢાવે તે પઢો આગળ ઉપર જોયું જશે
તેં રાસલીલાનું નિમંત્રણ મોકલ્યું આગ્રહથી પણ-
આજે તો છે ઉજાગરો આગળ ઉપર જોયું જશે
ઈચ્છા લગોલગ છેક આવીને ઊભા છો તો હવે
આંખો મીંચીને ખાબકો આગળ ઉપર જોયું જશે
આદમના વંશજ આદમી ! ખાબોચિયું શું ચીજ છે ?
ના આમ થા બેબાકળો આગળ ઉપર જોયું જશે
પાષાણને પલટાવતી વાણીનું હો વરદાન તો-
સૌ કોઈને એ સાંપડો આગળ ઉપર જોયું જશે
શતરંજની બાજી છે દુનિયા, એવું સમજાયા પછી
ચાલો નવેસરથી રમો આગળ ઉપર જોયું જશે
ઊંડાં રહસ્યો જે ઉકેલી ના શક્યા તેણે કહ્યું-
હમણાં ઉતાવળ ના કરો આગળ ઉપર જોયું જશે
વાહ સર સુંદર
ReplyDelete