(૧) સખ્ય
દદડે દસ દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને , શરીરે ફૂટે શાખ
તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન
તું ચૈતરની ચાંદની તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ
મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ
ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ
ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત
(૨) સાંપ્રત
છાપે ચડતા શહેરનાં, રૂપ નવાં હરરોજ
પા કોલમની આંખને આઠ કોલમનો બોજ
છાતી વચ્ચે વિસ્તરે, બહુમાળી ષડયંત્ર
અજગરબંધ ઉચ્છેદવા કોઈ ના જાણે મંત્ર
દસ્તક દેવા દ્વાર પર, આવે ઇન્દ્રધનુષ્ય
એવી પળની રાહમાં વીતી ગયું આયુષ્ય
હાંફે, દોડે ફરી ફરી, કહો કેટલે લક્ષ્ય ?
ઇમારતી અરણ્યમાં માણસ શોધે ભક્ષ્ય
વ્યાકૂળ નઝરે તગતગે, ક્ષિતિજ લગ સરિયામ
આવી બેઠું નેજવે. વ્હાલવછોયુ ગામ
આ છેડે સોનાપુરી ‘ને ઓ છેડે છે ઝૂ
શહેર ભરચક ભીડ, ધૂમાડો, અકળામણ ‘ને બૂ
તન બહેરાં મન આંધળાં, સમજણ સારાસાર
સૌને સૌનાં આગવાં વાણી ‘ને વ્યવહાર
વીગતની ગત વળી વળી, વાંચો વિગતવાર
ઉકેલી ઉકલે નહિ, અવળે અર્થ અપાર
પળમાં પર્વત થઈ રહે, પળમાં અનગળ કૂપ
કાંઠે બાજી કામના અણકળ એનાં રૂપ
તંતુ તંતુ બહાર બધું, ભીતર ઘન ઘેરાવ
ખણી ખોતરી દૂઝતા રાખ્યા સુક્કા ઘાવ
ક્યાં જઈ દસ્તક દાખવું ? દશે દિશા અકબંધ
જરાજીર્ણ ઝાંખો દિશે, નદી નાવ સંબંધ
લાલ, રતુંબલ, જાંબલી ઊછળતો રઘવાટ
લઈને અણબૂઝ આરદા, અનમિષ જોતા વાટ
કાયા કૌતુક કોડિયું, વાં માટીનો કુંભ
તું અડકે તો ઝળહળે હે ! ભડભડતા ડુંભ
સંજુ ભાઈ
ReplyDeleteઆજનાયુગ મા ચારણો પણ હવે હાથ નથી લગાડતા એ વિષય 'દૂહા' ને આપે હાથમા લઈને એક સરસ પહેલ કરી છે આપણે જાણીએ છીએ કે આ ગેય પદ્ય છે એટ્લે બને એટલા જોડાક્ષરો ઓછા આવે એવુ કરજો બાકી મને તો ખરે ખર આપનો પ્રયત્ન ખૂબ ગમ્યો
કાયા કૌતુક કોડિયું, વાં માટીનો કુંભ
તું અડકે તો ઝળહળે હે ! ભડભડતા ડુંભ
તંતુ તંતુ બહાર બધું, ભીતર ઘન ઘેરાવ
ખણી ખોતરી દૂઝતા રાખ્યા સુક્કા ઘાવ
વીગતની ગત વળી વળી, વાંચો વિગતવાર
ઉકેલી ઉકલે નહિ, અવળે અર્થ અપાર .......અર્થને બદલે અરથ લ્ખાયુ હોત તોયે વાંધો નહોતો
છાપે ચડતા શહેરનાં, રૂપ નવાં હરરોજ
પા કોલમની આંખને આઠ કોલમનો બોજ
છાપે ચડતા શહેરનાં, રૂપ નવાં હરરોજ
ReplyDeleteપા કોલમની આંખને આઠ કોલમનો બોજ
સાચે જ 'સાંપ્રત' પણ આ 'બોજ' વેંઢારવાની રોજીંદી આદત પડી ગયી છે.