Monday, 30 April 2012

દીવા ઝળહળે છે

કોઈ  બોલે  છે, તો  કોઈ સાંભળે છે
તે  છતાં ક્યાં કોઈને  કોઈ મળે છે ?

છેક  મનનાં  મૂળમાં જે  ઓગળે છે
એ  જ  કૂંપળ  જેમ  ફૂટી  નીકળે છે

સુખનું  સામ્રાજ્ય  ચાલે  પાંસળીમાં
‘ને  પીડાઓ  આંગળીથી  ઉખળે છે

સ્થિર થઈ  બેઠા  છે એ  આજે, પરંતુ
સો  તરફ  એના જ  દીવા ઝળહળે છે

આમ તો બુઝૂર્ગ છે એ શખ્સિયત પણ
લોહીમાં તો  આગિયાઓ  સળવળે છે

ઓથમાં  છૂપાઈ  રહ્યા છે તણખલાની
આખ્ખુયે  બ્રહ્માંડ  જેના  પગ તળે છે

રાતના  અજવાસ, અંધારા  દિવસના
આંખ  મીચાયા  પછીથી  ઝળહળે છે

2 comments:

  1. વાહ જનાબ !
    તમ્નારા બ્લૉગ વિશે આજે જ ખબર પડી... એક પછી એક એમ શરૂઆતની રચનાઓ જોઈ ગયો... ખૂબ મજા આવી... ઘણા સમયથી તમને બ્લૉગ શરૂ કરવાની સલાહ આપવાનો વિચાર કરતો હતો પણ આપે તો આ કાર્ય 2011થી શરૂ કરી જ દીધું છે...

    મોડે મોડેથી પણ ગુજરાતી બ્લૉગવિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું...

    એક બીજી વણમાગી સલાહ આપું? દરેક રચનાની નીચે આપનું નામ લખવાનું રાખો તો? ઘણા બધા કોપી-પેસ્ટિયાઓ તમારા નામ વિના રચનાઓ માર્કેટમાં ફરતી કરી દેશે...

    ReplyDelete