સાવ નકામું નમતું જોખ્યું
અમથું કાં અણગમતું જોખ્યું ?
વધ્યું વજન જ્યારે બાળકને
ફુગ્ગા સાથે રમતું જોખ્યું
વાલ - રતીની વડછડ મૂકી
ધારણથી ધમધમતું જોખ્યું
બજાર આખી ફરી - ફરીને
માત્ર આભ આથમતું જોખ્યું
સુખમાં ના સરવાળા માંડ્યા
દુઃખ કદી ના દમતું જોખ્યું
લેખ-જોખનો છાંડ્યો મારગ
સઘળું એમાં શમતું જોખ્યું
પહેલા કૃપાદૃષ્ટિ ઝીલી
પછી વેણ તમતમતું જોખ્યું
તમે ગઝલની તુલના માંગી
મેં ઝરણ રૂમઝુમતું જોખ્યુ
No comments:
Post a Comment