Thursday, 2 August 2012

સખીરી અવાવરું એંધાણ ઉલેચી

સખીરી અવાવરું એંધાણ ઉલેચી ફળીયા વચ્ચે  ઊભાં
રે .. ઝળઝળિયાં વચ્ચે ઊભાં
સખીરી સાત સાત અંધારા ડહોળી તળિયા વચ્ચે ઊભાં
રે .. ઝળઝળિયાં વચ્ચે ઊભાં

જીર્ણ દુર્ગના દરવાજાની ભોગળ ઉપર
ભટકાતી એક્ નામવિહોણી બૂમ સાંભળી
મર્માલયના ખર્યાં કાંગરા , દર્ભદશાવત
ડોલ્યા રે દિગપાળ હવે તું ઝાલ્ય આંગળી
સખીરી  ઝરમર ઝરતો જીવ અમે ઝાકળિયા વચ્ચે ઊભાં
     રે .. ઝળઝળિયાં વચ્ચે ઊભાં 

કેળગર્ભનો પથ્થરિયો ડહેકાર સાંભળી
કંપે મારું ત્રુટક છુટક  ભીંતર  ઉર્ફે ...
છડેચોક આ અશુ-કશુંની હાંક જમાવી
       ધાક જમાવી ભેદે અનવદ્ય બખ્તર ઉર્ફે ..
સખીરી શીર્ણ થયેલા શ્વાસોના સરવરિયા વચ્ચે ઊભાં
રે .. ઝળઝળિયાં વચ્ચે ઊભાં
સખીરી સાત સાત અંધારા ડહોળી તળિયા વચ્ચે ઊભાં
રે .. ઝળઝળિયાં વચ્ચે ઊભાં

No comments:

Post a Comment